<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

કુતરાઓ અંગેની કામગીરી સોંપવા સામે તલાટીઓમાં રોષ

પરિપત્રને અયોગ્‍ય ગણાવતું તલાટી મહામંડળઃ પરત ખેંચવા વિકાસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા.૩: રાજયના વિકાસ કમિશનરે ગઇ ૨૪ નવેમ્‍બરે કુતરાઓ અંગેની કામગીરી તલાટીઓને સોંપવા માટે પરિપત્ર કરતા રાજય તલાટી મહામંડળે તેનો ઉગ્ર વિરોધ કરી આ પરિપત્ર પાછો નો ખેંચાય તો આંદોલનાત્‍મક કાર્યક્રમો યોજવાની ચિમકી આપી છે. પરિપત્ર રદ કરવા અથવા તેમાં યોગ્‍ય સુધારો કરવાની માંગણી કરવામાં આવી છે. રાજય તલાટી મહામંડળના પ્રમુખ પંકજ મોદી મહેસાણા, મહામંત્ર રામભાઇ દેસાઇ વાવ થરાદ, ઉપપ્રમુખ ચિરાગ ગરૈયા રાજકોટ વગેરેના નામથી આજે વિકાસ કમિશનરને આવેદન પત્ર આપવાનુ નક્કી થયાનું જણાવાયું છે. વિકાસ કમિશનરે પરિપત્રમાં જણાવ્‍યુ છે કે, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્‍ડિયાએ દેશભરમાં રખડતા કુતરાના હુમલા અને રસ્‍તા પર રખડતા પશુઓથી થતા અકસ્‍માતોની ગંભીરતાને ધ્‍યાનમાં લઇને વ્‍યાપક નિર્દેશો જારી કર્યા છે. આ આદેશની જોગવાઇઓનો રાજયના તમામ જિલ્લાઓમાં તાત્‍કાલિક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવે છે.

તલાટી મહામંડળનું કહેવુ છે કે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના વહીવટ સાથે મહેસૂલી, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ, જન્‍મ-મૃત્‍યુ નોંધણી, લગ્ન નોંધણી, સરકારની યોજનાઓ વગેરે લગતી કામગીરી સંભાળતા હોય છે. મોટાભાગના વિસ્‍તારોમાં દરેક તલાટીઓને એકથી વધુ ગામડાઓની જવાબદારી હોવાથી કામનુ ભારણ પહેલેથી જ વધુ છે. રખડતા કુતરાઓને પકડવા અને નિકાલ કરવા જેવી કામગીરી તલાટીને સોંપવામાં આવે તો નુકશાન થવાની સંભાવના છે. મહિલા તલાટીઓ કપરી સ્‍થિતીમાં મુકાય શકે છે. આ પરિપત્ર પરત ખેંચવામાં નહિ આવે તો તલાટીઓ તેનો અમલ કરશે નહી. સર્વોચ્‍ચ અદાલતના ચૂકાદાનું અમલીકરણ યોગ્‍ય રીતે કરાવુ જોઇએ.

(3:26 PM IST)