<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

વડોદરામાં બે વાહનો અથડાયા બાદ જાહેર માર્ગ પર યુવાનો એક વ્યક્તિ પર લાકડીથી તૂટી પડ્યા

સૌથી સુરક્ષિત ગણાતા ઝોનમાં એરપોર્ટ પાસે આવેલા મુખ્ય માર્ગ પર જ જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નાગરિકોમાં ચકચાર મચી

વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા સવાલો ઉભા કરે એવી એક ઘટના સામે આવી છે. શહેરના સૌથી સુરક્ષિત ગણાતા ઝોનમાં એરપોર્ટ પાસે આવેલા મુખ્ય માર્ગ પર જ જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નાગરિકોમાં ચકચાર મચી છે. ઘટના મિલન પાર્ટી પ્લોટ નજીક બની હતી જ્યાં અકસ્માત પછી નાની બોલાચાલીમાં ઝઘડો એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગયો કે જાહેર માર્ગ પર લાકડીઓ ઉછળી

મિલન પાર્ટી પ્લોટની આસપાસનો વિસ્તાર વ્યસ્ત અને સામાન્ય રીતે સુરક્ષિત ગણાય છે, છતાંય બપોર બાદ કોઈ સમયે બે વાહનચાલકો વચ્ચે થયેલી અથડામણ પછી તણાવ વધ્યો. ઘટનાઓના દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેટલાક યુવાનોએ એક વ્યક્તિ પર લાકડી વડે હુમલો કર્યો હતો, જ્યારે માર્ગ પરથી પસાર થતા અન્ય લોકો નિહાળતા રહી ગયા. ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફેલાતાં પોલીસ તંત્રની કામગીરી અને શહેરમાં ખાખીનો ખોફ અંગે ચર્ચા તેજ થઈ છે.

ઘટના બાદ બંને પક્ષો હરણી પોલીસ મથકે પહોંચી ચૂક્યા છે, જ્યાં ચર્ચા અને સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે પ્રથમ દૃષ્ટિએ અકસ્માતને કારણે થયેલા વિવાદને ઝઘડામાં ફેરવાઈ ગયો હોવાનું કહી તપાસ શરૂ કરી છે. શહેરમાં ગત કેટલાક દિવસોથી આવી ઘટનાઓમાં વધારો જોવા મળતા જગૃત નાગરિકોમાં ચિંતા વધતી નજરે પડે છે.

વડોદરા મેટ્રો-સિટી હોવા છતાં આવા ખુલ્લા રસ્તા પરના હુલ્લડબાજી ના વિડિયો પોલીસ તંત્રની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કરે છે. કાયદો-વ્યવસ્થાની મજબૂતી અને રસ્તાઓ પર પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેથી અસામાજિક તત્વોને ખુલ્લે પ્રકાશમાં હિંસા કરવાનો માર્ગ ન મળે અને નાગરિકોની સુરક્ષા અખંડ રહે.

 

(6:59 PM IST)