<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

કોમનવેલ્‍થ ગેમ્‍સનું આયોજન કરવું એ અમારા માટે સન્‍માન અને જવાબદારી બંને છેઃ હર્ષ સંઘવી

 

ગાંધીનગર, તા., ૨૭ :  ગુજરાત અને સમગ્ર ભારત માટે ગઇકાલનો દિવસ ખૂબ જ ઐતિહાસિક બની રહેલ. અમદાવાદ હવે વર્ષ-૨૦૩૦માં આયોજિત થનારા કોમનવેલ્‍થ ગેમ્‍સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત  ગ્‍લાસગ્‍લો, સ્‍કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્‍થ સ્‍પોર્ટ્‍સ જનરલ એસેમ્‍બલી'ની બેઠકના અંતે કરવામાં આવી છે.

આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. આજની બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન ગ્‍લાસગ્‍લો પહોંચ્‍યું હતું. ગ્‍લાસગ્‍લો યોજાયેલી બેઠકમાં સભ્‍ય દેશોની અમદાવાદના નામ પર મહોર લાગી છે.

ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ ઉત્‍સાહભેર જણાવ્‍યું હતું કે, આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્‍યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્‍થ ગેમ્‍સનું આયોજન કરવું એ અમારા માટે સન્‍માન અને જવાબદારી બંને છે. અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્‍યની ઝલક દર્શાવતા આ ઉત્‍સવ સાથે વિશ્વનું સ્‍વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્‍યોનું પણ પ્રતિબિંબ પાડશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદને કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૩૦ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્‍થ ગેમ્‍સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે ૨૦૧૦માં નવી દિલ્‍હીમાં ગેમ્‍સનું સફળ આયોજન થયું હતું

(3:11 PM IST)