<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

વડોદરામાં પાણી કાપની જાહેરાત વચ્ચે પાણીનો વેડફાટઃ હરણી રોડ પર મુખ્ય લાઇનમાં ભંગાણ

પાલિકાની બેદરકારીના કારણે પીવાના શુદ્ધ પાણીનો મોટાપાયે વ્યય: હરણી રોડ પર સોનીની વાડી નજીક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા સવારથી જ આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં

વડોદરા શહેરમાં એક તરફ પીવાના પાણીની અછત, પુરતા દબાણથી પાણી ન મળવા અને દૂષિત પાણી મળવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીના કારણે પીવાના શુદ્ધ પાણીનો મોટાપાયે વ્યય થઈ રહ્યો છે. શહેરના હરણી રોડ પર સોનીની વાડી નજીક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા સવારથી જ આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળવાની સ્થિતિ સર્જાઈ હતી.

ડેમમાંથી પાણી છૂટ્યું હોય એવું દૃશ્ય જોવા મળતા આસપાસના વિસ્તારોમાં નદી વહેતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. હજારો લીટર – હજારો ગેલન પાણી રસ્તા પર વહેતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી પૂરતા દબાણથી અને નિયમિત મળે તેવી નાગરિકોની માંગ વધી રહી છે. પાણીની સમસ્યા સામે લોકો વોર્ડ કચેરીઓ તેમજ પાલિકાના મુખ્ય કચેરી સુધી રજૂઆતો કરી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં મોરચા નીકળી ચૂક્યા છે. છતાં પણ સમસ્યાઓનો સામનો કરાવતા પાણી પુરવઠા વિભાગની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પીવાના પાણીની લાઈનો વારંવાર ફાટતી હોવાથી નગરજનોને સ્વચ્છ પાણી મળી રહે તેવી આશા નહિવત રહી છે.

આ વચ્ચે પાલિકાએ તાજેતરમાં ત્રણ દિવસ સુધી પીવાનું પાણી નહિ મળે તેવી જાહેરાત કરી હતી. છતાં સોનીની વાડીની પાસેની મુખ્ય લાઈન ફાટતાં પાણી ન મળવાની ચેતવણી વચ્ચે જ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું જોવા મળ્યું છે. નાગેશ્વર મહાદેવ મંદિર આસપાસ તેમજ નજીકની સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં લોકોના રોજિંદા અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. વાહનચાલકો માટે રસ્તા પર સ્લિપરી પરિસ્થિતિ ઉભી થતા અકસ્માતની શક્યતા પણ જોવા મળી રહી છે.

શહેરના વિકાસના દાવા વચ્ચે આધારભૂત સુવિધાઓ જાળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે કે નહીં તે પ્રશ્ન ફરી એકવાર જનતાના મનમાં ઊઠવા લાગ્યો છે. નાગરિકો તંત્રએ તાત્કાલિક મરામત કાર્ય અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સ્થાયી ઉકેલ લાવવાની માંગ કરી છે.

(1:01 PM IST)