તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Thursday, 27th November 2025
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની B.Com સેમેસ્ટર-3ની પરીક્ષામાં છબરડો: સિલેબસ બહારનું પૂછાતા જબરો હોબાળો
પ્રશ્નપત્રમાં આશરે 15 ગુણના પ્રશ્નો કોર્સ બહારના પૂછાતા 25,000થી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં:કુલપતિએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની B.Com સેમેસ્ટર-3ની પરીક્ષામાં ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પેપરમાં મોટો છબરડો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓના મતે, પ્રશ્નપત્રમાં આશરે 15 ગુણના પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હોવાની ફરિયાદ થઈ છે. તેના કારણે 25,000થી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેમણે ફરિયાદ કરી કે તેમણે જે વાંચ્યું તે પૂછાયું જ નહોતું.
આ ગંભીર મામલો યુનિવર્સિટીના કુલપતિ સુધી પહોંચતા, તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. હવે બોર્ડ ઓફ એક્ઝામિનેશન કમિટીના તજજ્ઞો દ્વારા પ્રશ્નપત્ર અને અભ્યાસક્રમની ખરાઈ કરવામાં આવશે. તપાસના અંતે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવા અંગે નિર્ણય લેવામાં આવશે.
વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે કોલેજના શિક્ષકો સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી કે, પરીક્ષામાં જે વાંચીને તૈયાર કર્યું હતું, તેમાંથી તો કંઈ પૂછાયું જ નથી. આ સમગ્ર મામલો ગંભીરતાથી લઈને યુનિવર્સિટીના કુલપતિ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
આ વિવાદને પગલે કુલપતિએ તાત્કાલિક અસરથી આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. આ પ્રકારના પ્રશ્નપત્રો સામાન્ય રીતે વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે, ત્યારે આ ભૂલ કેવી રીતે થઈ તે એક મોટો પ્રશ્ન છે. હવે યુનિવર્સિટીની બોર્ડ ઓફ એક્ઝામિનેશન કમિટીના શિક્ષણ તજજ્ઞો આ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ કરશે.
ભારતીય જ્ઞાન પરંપરા વિષયનું સ્વરૂપ ઘણું વ્યાપક છે, જે ભારતના ઉદયથી લઈને અત્યાર સુધીની માહિતી અને જ્ઞાનનો સમાવેશ કરે છે. આ વિશાળ ફલકને ધ્યાનમાં રાખીને ખરેખર પ્રશ્નો સિલેબસ બહારના છે કે માત્ર વિષયના ઊંડાણમાંથી પૂછાયા છે, તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે.
તપાસ કમિટી અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રનું કડક વિશ્લેષણ કરશે. આ તપાસના અંતે જ નક્કી થશે કે ભૂલ યુનિવર્સિટીની છે કે નહીં. જો વિદ્યાર્થીઓના દાવા સાચા ઠરશે, તો તે પછીના તબક્કામાં વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવી કે નહીં અથવા અન્ય કોઈ ન્યાયિક ઉકેલ લાવવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. આ છબરડાના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને મહેનત દાવ પર લાગ્યું છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
