<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં 9 જગ્યાએ ઇડીની મોટી કાર્યવાહી : રૂ .33 લાખની રોકડ જપ્ત

પટના સ્થિત કોન્ટ્રાક્ટર રિશુ શ્રી સાથે જોડાયેલા કેસમાં અમદાવાદ, સુરત, ગોરેગાંવ અને નવી દિલ્હીમાં કુલ 9 અલગ-અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન

અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પટના સ્થિત કોન્ટ્રાક્ટર રિશુ શ્રી સાથે જોડાયેલા કેસમાં અમદાવાદ, સુરત, ગોરેગાંવ અને નવી દિલ્હીમાં કુલ 9 અલગ-અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ તપાસ બિહારના સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU) દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે કરવામાં આવી રહી છે. રિશુ શ્રીની ફર્મ પર બિહાર સરકારના વિવિધ વિભાગોના ટેન્ડરો મેળવવા માટે સરકારી અધિકારીઓ સાથે મિલીભગત કરવાનો ગંભીર આરોપ છે.

ED દ્વારા હાથ ધરાયેલા આ વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન, અત્યાર સુધીમાં ₹33 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. રોકડની સાથે સાથે મહત્વપૂર્ણ ડિજિટલ ઉપકરણો, ગુનાહિત પ્રવૃત્તિઓ દર્શાવતી ડાયરીઓ અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

 

નોંધનીય છે કે, આ જ કેસમાં અગાઉ પણ ED દ્વારા ₹11.64 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ નવી કાર્યવાહી તપાસને વધુ ઊંડી બનાવશે અને ભ્રષ્ટાચારના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં મદદ કરશે. ED દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ઉપકરણોની ઝીણવટભરી તપાસ કરીને કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવામાં આવશે.

(11:46 PM IST)