તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
મોડાસાની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર સામે વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો : જબરો વિરોધ કર્યો
કોલેજના એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીઓ પાસે બીભત્સ અને અયોગ્ય માગણીઓ કરાઈ હોવાના આક્ષેપો બાદ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હોબાળો મચાવ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એક ગંભીર ઘટના સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. કોલેજના એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીઓ પાસે બીભત્સ અને અયોગ્ય માગણીઓ કરવામાં આવી હોવાના આક્ષેપો બાદ આજે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મિકેનિકલ વિભાગના પ્રોફેસર મનીષ ચૌહાણ પર વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ માંગણીઓ કરવા અને અયોગ્ય મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો છે. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે પ્રોફેસર અને એક વિદ્યાર્થિની વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ્સની વિગતો સામે આવી, જેમાં પ્રોફેસરની ગેરવર્તણૂક સ્પષ્ટ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, પ્રોફેસર મનીષ ચૌહાણે છેલ્લા એક અઠવાડિયાના સમયગાળામાં જ ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓને આવા બિભત્સ મેસેજ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થીઓના સમર્થનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં આવ્યું છે અને તેમણે કોલેજ પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધને પગલે કોલેજમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ગંભીર આક્ષેપો સામે આવતા પ્રોફેસર મનીષ ચૌહાણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. દરમિયાન, મામલો વધુ ન વણસે તે માટે સરકારી ઈજનેર કોલેજના પ્રિન્સિપાલે આક્રોશિત વિદ્યાર્થીઓ અને ABVPના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. પ્રિન્સિપાલે આ સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની વિદ્યાર્થીઓને લેખિતમાં બાહેંધરી આપી છે, જેના પછી વિદ્યાર્થીઓનો હોબાળો શાંત પડ્યો હતો. હાલમાં કોલેજ પ્રશાસન દ્વારા આ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર પ્રોફેસર સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
