<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

યુનિટી માર્ચ: કરમસદથી કેવડિયા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરની "સરદાર @150: યુનિટી માર્ચ”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રારંભ કરાવશે

ઉદ્ઘાટન સમારોહમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા સહિત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે: યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પદયાત્રી તરીકે જોડાશે: ૧૧ દિવસની યુનિટી માર્ચમાં અન્ય રાજ્યોના રાજ્યપાલ તથા મુખ્યમંત્રીઓ સહભાગી થશે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષને સમર્પિત રાષ્ટ્રીય સ્તરની સરદાર @150: યુનિટી માર્ચ” નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરમસદ ખાતેથી પ્રારંભ કરાવશે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. 
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય પદયાત્રા આવતીકાલ તા. ૨૬ નવેમ્બર – સંવિધાન દિવસના રોજ સરદાર પટેલના વતન કરમસદની પવિત્ર ભૂમિથી શરુ થઈને તા. ૦૬ ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પૂર્ણ થશે.
પ્રત્યેક દિવસે યુનિટી માર્ચમાં કેન્દ્રિય મંત્રીઓ સહિત હજારોની સંખ્યામાં દેશપ્રેમીઓનું ઘોડાપૂર જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે. ઉદ્ઘાટન સમારોહમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા,  પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી બનશે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પદયાત્રી તરીકે જોડાશે. યુનિટી માર્ચના બીજા દિવસે તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ, કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંઘજી, એસ. પી.બધેલજી અને બી.એલ.વર્માજી ઉપસ્થિત રહેશે.
પાંચમાં દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પુર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુજી, સાતમાં દિવસે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી, આઠમાં દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાગ, દસમાં દિવસે બિહારના રાજ્યપાલ આરીફ મહોમ્મદખાન ખાસ ઉપસ્થિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ યુનિટી માર્ચમાં અગિયારમાં દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપન સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાક્રિષ્ણન અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આ યાત્રામાં કરમસદથી એકતાનગર વચ્ચેનું આશરે ૧૫૨ કિલોમીટરનું અંતર ૧૧ દિવસમાં કાપવામાં આવશે. પ્રત્યેક દિવસે અંદાજે ૧૫,૦૦૦થી વધુ દેશપ્રેમીઓનું ઘોડાપૂર આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે.
આ યાત્રા પૂર્વે રસ્તામાં આવતા ગામડાઓમાં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે તેમ પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું

(6:51 PM IST)