<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

આણંદના BAPS સ્વામીનારાયણ મંદિરનો રજત જયંતી મહોત્સવ :આણંદ-વિદ્યાનગરમાં ભવ્ય નગરયાત્રા યોજાઈ

સાત દિવસ સુધી રજત જયંતિ મહોત્સવના વૈવિધ્ય પૂર્ણ સાંસ્કૃતિક-આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન

આણંદ અને વિદ્યાનગરના મુખ્ય માર્ગો ઉપર એક ભવ્ય અને દિવ્ય નગરયાત્રા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આણંદ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોઈ “આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવ” ઉપક્રમે તા. ૨૨ થી ૨૮ નવેમ્બર દરમિયાન રજત જયંતિ મહોત્સવના વૈવિધ્ય પૂર્ણ સાંસ્કૃતિક-આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે તા.૨૨/૧૦/૨૦૨૫ના રોજ ભવ્ય નગરયાત્રા યોજવામાં આવી હતી.જેમાં વિવિધ આકર્ષણો જોવા મળ્યા હતા. ગજરાજ ઉપર બિરાજિત ભગવાન સ્વામીનારાયણ, નાસિક ઢોલ પતાકા, આદિવાસી નૃત્ય, તારપા નૃત્ય,આકર્ષક ગુરુ પરંપરા રથ,વસુધેવ કુટુંબકમ ટેબલો,મોબાઈલની માયાજાળ, ટેબલો,વ્યસન મુક્તિ ટેબલો, મેસ્કોટ પરેડ,પ્રકૃતિ સંવર્ધન ટેબલો વગેરે સાથે સંતો અને આબાલ વૃદ્ધથી શોભાયમાન નગરયાત્રા સૌનું ધ્યાન આકર્ષિત કરતી હતી. સાથે સાથે શુભ પ્રેરણાઓ પણ આપતી હતી.

    આ ભવ્ય નગર યાત્રા બપોરે ૧.૦૦ કલાકે આણંદ વ્યાયામ શાળા પાસેથી શરૂ થઈ હતી.જેમાં પૂજ્ય ભગવદચરણ સ્વામી, કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામી અને નામાંકિત મહાનુભાવો સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા પોલીસવડા ગૌરવ જસાણી, સી.વી.એમ.ના જોઇન્ટ સેક્રેટરી મેહુલ પટેલે નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું ત્યારબાદ અમૂલ ડેરી, મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ, ગામડી વડ, નવા બસસ્ટેન્ડ, ટાઉન હૉલ, ભાઈકાકા સર્કલ, મોટા બજાર, સરદાર પટેલ સ્ટેચ્યું, શાન મોલ, ગીતાસર્કલ થઈને અક્ષર ફાર્મ ખાતે વિરમી હતી.કુલ ૯ કિ.મી. લાંબી આ ભવ્ય-દિવ્ય નગરયાત્રાનું માર્ગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી વતી બીપીનભાઇ વગેરે દ્વારા આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. 

 અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨૩/૧૧ થી તા. ૨૮/૧૧ દરમિયાન આણંદ અક્ષર ફાર્મમાં નિર્માણ થયેલ ભવ્ય નગરમાં પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત આબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રેરણા મળે તેવા “શો” અને પ્રદર્શનો પણ યોજાશે.

(6:22 PM IST)