<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

સુરતમાં રખડતા કૂતરાઓનો 'હિંસક હુમલો': ૫ વર્ષના માસૂમ બાળકને ૨૦ બચકાં, માથું ફાડી નાખ્યું, હાલત ગંભીર

GIDC વિસ્તારમાં કાળો કેર: ચાર શ્વાનોનું ટોળું બાળકને ખેંચી ગયું, મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી સવાલો

સુરતઃ  ગુજરાતના સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક હવે હત્યાના પ્રયાસ સમાન બની રહ્યો છે. સચિન GIDC વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ચારથી પાંચ રખડતા શ્વાનોના ટોળાએ એક ૭-૮ વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી દીધો હતો. આ શ્વાનોનું ટોળું બાળકને નિર્જન જગ્યા તરફ ખેંચી ગયું અને તેના પર તૂટી પડ્યું. બાળકને માથા, હાથ-પગ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર બચકાં ભર્યા હતા. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકોએ દોડી આવીને ભારે જહેમત બાદ તેને કૂતરાઓની ચુંગાલમાંથી છોડાવ્યો. આ ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા રખડતા શ્વાન નિયંત્રણ માટે કરવામાં આવતી કામગીરીની નિષ્ફળતા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ થયેલા બાળકને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલના ડોકટરોએ આ ઘટનાની ભયાનકતા વર્ણવી હતી. ડો. શીતલ ખેરડીયાના જણાવ્યા અનુસાર, બાળકને શરીર પર ઓછામાં ઓછા ૨૦ જેટલા બચકાંના નિશાન જોવા મળ્યા છે. સૌથી વધુ અને ગંભીર ઈજા માથાના ભાગે થઈ છે, જે જીવલેણ બની શકે છે. હાલ બાળકને સર્જરી હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની સઘન સારવાર ચાલી રહી છે. આ ગમગીન બનાવને કારણે બાળકના પરિવારજનો પર આભ ફાટ્યું છે અને સ્થાનિકોમાં પણ કૂતરાઓના આતંક સામે ભારે રોષ ફેલાયો છે.
રખડતા શ્વાનોનો આતંક માત્ર સુરત પૂરતો સીમિત નથી. રાજ્યના અન્ય મોટા શહેરો, ખાસ કરીને અમદાવાદમાં પણ સ્થિતિ ગંભીર છે. તાજેતરમાં, અમદાવાદના પાલડી વિસ્તારમાં માત્ર એક જ શ્વાને થોડા જ સમયમાં ૫થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હતા. ૧૮ નવેમ્બરના રોજ હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પર થયેલા આ હુમલાઓમાં એક PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા, જેમાં તે એક્ટિવા પાર્ક કરતો હતો ત્યારે શ્વાને તેને બચકું ભર્યું હતું. એક જ દિવસમાં ૮ લોકોને કરડવાની આ ઘટનાએ શહેરીજનોમાં ભારે દહેશત ફેલાવી દીધી છે અને લોકો સાંજના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
સૌથી દુઃખદ અને કરુણ ઘટના થોડા સમય પહેલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં બની હતી. અહીં એક પાલતું રોટવીલર શ્વાને ૪ મહિનાની માસૂમ બાળકી અને તેની માસી પર હુમલો કર્યો હતો. આ ભયંકર હુમલામાં ૪ માસની બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે ઘટના સમયે માસી ફોનમાં વાતોમાં મશગૂલ હતા અને તેમના હાથમાંથી શ્વાન છટકી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શ્વાનના માલિકની ધરપકડ કરી હતી. આ પ્રકારની ઘટનાઓ એ દર્શાવે છે કે પછી તે રખડતા કૂતરા હોય કે પાલતુ કૂતરા, શહેરના નાગરિકોની સુરક્ષા આજે પણ ગંભીર જોખમમાં છે અને મહાનગરપાલિકાઓએ આ મુદ્દે તાત્કાલિક અને કડક પગલાં લેવા પડશે.

(12:35 PM IST)