<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

હવે નકલી જેલર : જેલમાં ગયા બાદ જેલર બનીને કેદીને સુવિધા આપવા પરિવાર પાસે પૈસા પડાવતો :ભાંડો ફૂટતા ઝડપી લેવાયો

આરોપીએ પોતાની ઓળખ લાજપોર જેલનાં જેલર તરીકે આપીને કેદીને જમવાની અને અન્ય વીઆઈપી સુવીધા આપવાનાં નામે 15 હજાર રૂપિયા માંગ્યા

અમદાવાદ શહેર પોલીસે એક એવો આરોપી પકડ્યો છે, જે ક્યારે પોલીસ ઈન્સ્પેક્ટર, ક્યારે ફૂડ ઓફિસર તો ક્યારેક ઈન્કટેક્ષ ઓફિસર બનતો હતો, એક ગુનામાં પકડાઈ જાય એટલે જેલમાંથી છુટી નવા વિભાગનો અધિકારી બને, જોકે હવે તો તેણે હદ જ વટાવી નાખી, જેલમાં ગયા બાદ તેણે જેલર બનીને પૈસા પડાવવાનું શરૂ કર્યું. જોકે અંતે તેનો ભાંડો ફુટી ગયો.

પોલીસની કસ્ટડીમાં દેખાતા આ મહાશય તો જેલર છે, અસલી નહી પરંતુ નકલી જેલર, આ શખ્સનું નામ રાજેશ નરેન્દ્ર ત્રિવેદી છે, આ શખ્સે તો મહાઠગોના પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, કારણ કે અગાઉનાં ઠગ તો સરકારનાં કોઈ એક ચોક્કસ વિભાગનાં અધિકારી બનીને લોકોને ઠગતા હતા, પરંતુ આ શખ્સે તો સરકારનાં અનેક વિભાગનાં અધિકારીઓ બનીને લોકો પાસે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. આરોપી સામે સુરતનાં અડાજણ પોલીસ સ્ટેશનમાં આવો જ એક ગુનો નોંધાયો હતો, જેમાં જેલમાં કેદ કાચા કામનાં કેદીના પરિવારનો સંપર્ક કરી આરોપીએ પોતાની ઓળખ લાજપોર જેલનાં જેલર તરીકે આપીને કેદીને જમવાની અને અન્ય વીઆઈપી સુવીધા આપવાનાં નામે 15 હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે અંતે પરિવારજનોએ જેલમાં તપાસ કરતા આરોપીનો ભાંડો ફૂટી જતા તેની સામે જેલરે જ ફરિયાદ નોંધાવી હતી. આ આરોપી અમદાવાદમાં હોવાની માહિતી મળતા ઝોન 2 એલસીબીએ તેને પકડી પાડ્યો હતો.

આરોપીની વાત કરીયે તો રાજેશ ત્રિવેદી અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પ્રસારીત થતા ક્રાઈમના એપિસોડ જોઈ તેમાથી આરોપીનું નામ, પોલીસ સ્ટેશન સહિતની વિગતો મેળવી લેતો, બાદમાં આરોપી પોલીસ સ્ટેશનમાં ફોન કરી પકડાયેલા જે તે આરોપીનાં વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની તમામ વિગતો મેળવી લેતો, જે બાદમાં તે આરોપી જેલ હવાલે થતા જ તેનાં સગા સંબંધીઓને ફોન કરી જેલનાં જેલર તરીકેની ઓળખ આપી અટક થયેલા આરોપીને જેલમાં ટિફિન અને સુવા માટે બિસ્તર સહિતની તમામ વીઆઈપી સુવિધાઓ આપવા માટે ઓનલાઈન 15 હજાર રૂપિયા માંગતો હતો. જો કોઈ સંબંધી રૂપિયા ન આપે તો કેદીને માર મારવાની પણ ધમકીઓ આપતો હતો. આ રીતે તેણે ગોધરાનાં અશોક સોની નામનાં વ્યકિતનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી એટીએમથી રૂપિયા ઉપાડી લીધા હોવાની પણ કબૂલાત કરી છે.

ઝોન 2 પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કિપેડ વાળા 6 મોબાઈલ ફોન અને 2 એટીએમ કાર્ડ અને એક પાસબુક કબ્જે કરી છે. આરોપી સામે અગાઉ આ જ રીતે નકલી સરકારી અધિકારી જેમાં ઈન્કમટેક્ષ ઓફિસર, પોલીસ ઈન્સ્પેક્ટર, નકલી મામલતદાર અને ફૂડ સેફ્ટી ઓફિસર બનીને રૂપિયા પડાવવાની ફરિયાદો નોંધાઈ છે અને તેમાં તે જેલમાં પણ જઈ આવ્યો છે. જોકે જેલમાંથી બહાર આવતા તેણે નકલી જેલર બનવાનું નક્કી જેલરનાં નામે રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.  આરોપી અગાઉ અમદાવાદમાં રામોલ, બાપુનગર, કાલુપુર સહિત ગાંધીનગર અને અમરેલી એમ કુલ 6 પોલીસ સ્ટેશનનાં ગુનામાં પકડાઈ ચુક્યો છે, તેવામાં પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.

 

 

(11:23 PM IST)