News of Tuesday, 18th November 2025
અમદાવાદમાં રૂ.4.58 કરોડથી વધુની છેતરપીંડીના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓને બેંગ્લુરુથી ઝડપી લેવાયા
શાબીર મોકમજીવાલા નામના વેપારી પાસેથી લેડિઝ ડ્રેસ મટીરિયલના શૂટનો મોટો જથ્થો ખરીદ્યા બાદ આરોપીઓએ રકમ ચૂકવી ન હતી.

અમદાવાદમાં નોંધાયેલા 4.58 કરોડ રૂપિયાથી વધુની છેતરપીંડીના ગુનામાં ફરાર થયેલા ત્રણ આરોપીઓને આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા બેંગ્લોરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગુનામાં શાબીર મોકમજીવાલા નામના વેપારી પાસેથી લેડિઝ ડ્રેસ મટીરિયલના શૂટનો મોટો જથ્થો ખરીદ્યા બાદ આરોપીઓએ રકમ ચૂકવી ન હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં અજય સુખીયાની, સન્ની સુખીયાની, અને મહેશ સુખીયાની એમ એક જ પરિવારના પિતા અને બે પુત્રોનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓએ તેમની "જય ક્રિએશન" નામની ફર્મના નામે ભોગ બનનાર વેપારી પાસેથી માલ ખરીદ્યો હતો. છેતરપીંડી આચર્યા બાદ તેઓએ પોતાની દુકાન બંધ કરી દીધી હતી અને અમદાવાદ છોડીને ફરાર થઈ ગયા હતા.
આરોપીઓની શોધખોળ કરી રહેલી EOW શાખાને બાતમી મળી હતી કે ફરાર આરોપીઓએ બેંગ્લોરમાં પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની વિગતો મેળવી અને બેંગ્લોરમાંથી તેઓની ધરપકડ કરી છે.
હાલમાં, EOW દ્વારા ત્રણેય આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તેઓ પાસેથી વધુ પૂછપરછ કરીને આ છેતરપીંડીના મૂળ સુધી પહોંચવા માટેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ, અને આ રકમનું શું કરવામાં આવ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
