<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

સાબરમતી જેલમાં આતંકીની ધોલાઈ :આતંકી અહેમદ સૈયદને ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતા માર માર્યો

ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો

અમદાવાદ :ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ પકડેલા ISISના 3 આતંકીને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. જ્યાં આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતા તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો

કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી છે. જેને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે

ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

(8:14 PM IST)