<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

સ્‍પીચ આપતી વખતે ૨૪ વર્ષની યુવતી અચાનક સ્‍ટેજ પર ઢળી પડતાં મૃત્‍યુ

ન જાણ્‍યું જાનકી નાથે...' સુરતમાં બનેલી ઘટના : અમદાવાદના રાયપુરની જીલ સુરેશભાઈ ઠક્કર ખાનગી આઈ.ટી કંપનીની કર્મચારી હતીઃ હાર્ટએટેક આવ્‍યાની શક્‍યતા

સુરત,તા.૧૮: સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ તબિયત  લથડતા મોત થવાના બનાવો યથાતવ રહેવા પામ્‍યા છે. કાપોદ્રા વિસ્‍તારમાં આવેલી ધારુકાવાલા કોલેજમાં રવિવારે સાંજે સેમિનારમાં મંચ પર સ્‍પીચ આપતી વખતે અમદાવાદની ૨૪ વર્ષની યુવતી અચાનક ઢળી પડયા બાદ મોત નીપજ્‍યું હતું.

સ્‍મીમેર હોસ્‍પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદના રાયપુર ખાતે અકાશેઠની પોળમાં રહેતી ૨૪ વર્ષીય જીલ સુરેશભાઈ ઠક્કર રવિવારે સાંજે કાપોદ્રા ખાતે આવેલી જે.બી.ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમ હોલના યોજાયેલા સેમિનારમાં સ્‍ટેજ ઉપર સ્‍પીચ આપતી હતી. તે સમયે ત્‍યાં હોલમાં મોટી સંખ્‍યામાં વ્‍યક્‍તિઓ હાજર હતા. ચાલુ સ્‍પીચ દરમિયાન જીલે એકાએક બેલેન્‍સ  ગુમાવ્‍યું હતું. અને સ્‍ટેજ ઉપર પાછળની તરફ ઢળી પડી હતી.

ઘટનાને પગલે હાજર શ્રોતાઓ ચોંકી ગયા હતા. ઝડપથી મદદે આવેલા લોકો જીલને બેભાન હાલતમાં નજીકની ખાનગી હોસ્‍પિટલમાં લઇ ગયા હતા. પણ ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. તેને હાર્ટએટેક આવ્‍યાની શક્‍યતા છે.

કાપોદ્રા પોલીસે જણાવ્‍યું કે, જીલ ઠક્કર ખાનગી આઈટી કંપનીમાં નોકરી કરતી હતી. કોલેજમાં સેમિનારમાં સાથીમિત્રો સાથે સ્‍પીચ આપવા આવી હતી. ત્‍યારે અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્‍યું હતું. જીલે કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયરીગનો અભ્‍યાસ કર્યો હતો. તેનો એક ભાઈ છે.

તેના પિતા ન્‍યુઝ પેપરમાં નોકરી કરે છે. પોલીસ આ અંર્ગે વધુ તપાસ કરી રહી છે

(10:00 AM IST)