News of Sunday, 16th November 2025
ગુજરાત ભાજપ પ્રમુખની આગેવાનીમાં અમદાવાદમાં ભવ્ય 'યુનિટી માર્ચ': 600 મીટરનો રાષ્ટ્રધ્વજ અને સરદાર પટેલનો ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'સરદાર @ 150' અભિયાનનો અમદાવાદથી શાનદાર પ્રારંભ

અમદાવાદઃ અમદાવાદમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની શાનદાર ઉજવણીના ભાગરૂપે 'સરદાર @ 150' અભિયાન હેઠળ આજે, 16મી નવેમ્બરના રોજ, એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે યુનિટી માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય યાત્રાનું આયોજન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. નિકોલ વિધાનસભા હેઠળ આવતા વિરાટનગર વોર્ડના ફુવારા સર્કલ પાસેથી માર્ચનો પ્રારંભ થયો, જેમાં પ્રદેશ પ્રમુખ, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર પ્રતિભા જૈન સહિત મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
માર્ચને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. યાત્રામાં સરદાર પટેલના જીવન અને યોગદાનને દર્શાવતો મનમોહક ટેબ્લો અને ભારતની અસ્મિતાનું પ્રતીક એવો 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઠક્કરબાપા નગર રોડ પરની સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અને સુતરની આંટી પહેરાવીને આશરે બે કિલોમીટર જેટલી પદયાત્રા પૂર્ણ કરી હતી. આ માર્ચમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષકો, પોલીસકર્મીઓ અને હજારોની સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા, જે રાષ્ટ્રભાવનાની પ્રતીતિ કરાવતા હતા.
દિવસ દરમિયાન નિકોલની યુનિટી માર્ચના સફળ સમાપન બાદ, સાંજે સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં પણ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાણીપના સરદાર ચોકથી શરૂ થઈને સરદારબાગ ન્યુ રાણીપ ખાતે પૂર્ણ થવાની છે. સાબરમતી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાશે.
અમદાવાદ શહેરની તમામ વિધાનસભા બેઠકોમાં દરરોજ આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા ભાજપે સરદાર પટેલની જન્મજયંતિના એકતા અને રાષ્ટ્રનિર્માણના સંદેશને શહેરના ખૂણે ખૂણે લોકો સુધી પહોંચાડવાની તેની કટિબદ્ધતા દર્શાવી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
