તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
CA વિદ્યાર્થી બન્યો સાયબર ઠગાઈનો શિકાર: શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી રૂ.8.33 લાખ પડાવ્યા
રૂ.'ShoonaxHNI'ની નકલી એપ અને IPOનું કૌભાંડ: વળતરના નામે આખરે યુવક બ્લોક થયો

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)નો અભ્યાસ કરતા 20 વર્ષીય યુવાન મોહમ્મદ ઝૈદ સલીમભાઈ મેમણ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગુગલ એડ્સ દ્વારા વોટ્સએપ ગૃપમાં જોડીને, ઠગ ટોળકીએ શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને તેમની પાસેથી કુલ રૂ.8,33,250ની જંગી રકમ પડાવી લીધી છે. આ કૌભાંડમાં ઠગબાજોએ ટેકનોલોજી અને વિશ્વાસનો લાભ લઈને એક અભ્યાસ કરતા યુવાનને નિશાન બનાવ્યો હતો.
ઠગ ટોળકીએ 'ShoonaxHNI' નામની એડ દ્વારા ફરિયાદીને સૌપ્રથમ 'Shoonya 813 Wealth Circle' નામના વોટ્સએપ ગૃપમાં જોડ્યા. શરૂઆતમાં, 'સર્વજીત સિંઘ વિર્ક' નામના વ્યક્તિએ આપેલી ટિપ્સના આધારે ફરિયાદીએ પોતાના Grow ડીમેટ એકાઉન્ટમાં રોકાણ કર્યું અને એક અઠવાડિયામાં 7 ટકા જેટલું વળતર મેળવ્યું. આ નાની સફળતાથી યુવાનનો વિશ્વાસ જીત્યા બાદ, ઠગોએ 'ShoonaxHNI' નામની પોતાની નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. આ એપમાં રૂ.10,000નું રોકાણ કરીને, તેને 7.5 ટકા નફો મેળવીને રકમ સફળતાપૂર્વક વિડ્રો કરાવી આપી, જેનાથી યુવાનને વધુ ભરોસો બેસી ગયો.
નાના રોકાણમાં સફળતા મળ્યા બાદ, ફરિયાદીને 'આદિત્ય ઈન્ફોટેક' કંપનીના IPOમાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર રોકાણ કરવા માટે મોટી લાલચ આપવામાં આવી. 30 જુલાઈથી 7 ઓગસ્ટ 2025 દરમિયાન ફરિયાદીએ મિત્રો પાસેથી ઉછીના લઈને કુલ રૂ.8,33,250ની રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી. રકમ ટ્રાન્સફર થયા બાદ, નકલી એપ્લિકેશન પર તેના ખાતામાં રૂ.27,00,000ના શેર ક્રેડિટ થયેલા પણ બતાવ્યા. જોકે, જ્યારે ફરિયાદીએ આ રકમ વિડ્રો કરવાની વિનંતી કરી, ત્યારે એક પણ રૂપિયો જમા થયો નહીં.
આખરે, ફરિયાદી મોહમ્મદ ઝૈદને કસ્ટમર સપોર્ટ અને ટિપ્સ આપનાર સર્વજીત સિંઘ વિર્ક બન્નેએ વોટ્સએપ પર બ્લોક કરી દીધા. પોતાની સાથે ફ્રોડ થયાનું જાણતા જ યુવાને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે વોટ્સએપ ચેટ્સને પુરાવા તરીકે લઈને વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ નકલી રોકાણ એપ્સ દ્વારા લાખોની છેતરપિંડીનો આ કિસ્સો યુવાનો માટે લાલબત્તી સમાન છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
