તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
કાતિલ ઠંડીની આગાહી વચ્ચે કમોસમી વરસાદનું વિઘ્ન?
ગુજરાતમાં વાતાવરણમાં મોટા પલટાના સંકેત: જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

અમદાવાદ: હાલમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ બરાબર જામી છે અને લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. યુરોપ અને એશિયા ખંડમાંથી ફૂંકાતા ઠંડા પવનો રાજ્યમાં ઠંડીનું જોર વધારી રહ્યા છે. જોકે, આ દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, આગામી 18 થી 20 નવેમ્બર દરમિયાન તાપમાનમાં નજીવો વધારો થશે અને વાતાવરણ હાલ પૂરતું શુષ્ક રહેવાની શક્યતા છે.
નવેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાના સંકેતો છે. 19 નવેમ્બરની આસપાસ આરબ સાગરમાં લો પ્રેશર બનશે, જ્યારે 24 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા તો ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે નવેમ્બરના અંતમાં ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે. જોકે, ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, આ સમયગાળા દરમિયાન રચાતું હવામાન ઘઉં, જીરું સહિતના રવિ પાકો માટે ઘણું સાનુકૂળ રહેશે.
શિયાળાનું અસલી જોર હવે ડિસેમ્બર મહિનાથી શરૂ થશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધશે, પરંતુ હાડ થીજવતી કાતિલ ઠંડીનો પ્રારંભ 22 ડિસેમ્બર બાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, જાન્યુઆરી મહિના સુધીમાં લા-નીનો બનવાના સંકેતો છે, જે ચાલુ વર્ષે વધારે ઠંડી પડવાની પૂરી સંભાવના દર્શાવે છે.
આમ, ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. ટૂંક સમયમાં કમોસમી વરસાદનું સંકટ પણ તોળાઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ, રવિ પાકો માટે સાનુકૂળ વાતાવરણ અને લા-નીનોના સંકેતો સાથે આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
