તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
વીજ ચોરી પકડવા ગયેલી UGVCL ટીમ પર જીવલેણ હુમલો! ખેડૂત પરિવારે લાકડી-સળિયાથી માર માર્યો
વિસનગરના થુમથલ ગામે કાયદાના રક્ષકો પર હુમલો, વિદ્યુત સહાયક ગંભીર રીતે ઘાયલ; ત્રણ સામે ગુનો દાખલ

મહેસાણા, વિસનગર: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં કાયદાના રક્ષકો પર હુમલાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વિસનગરના થુમથલ ગામમવીજ ચોરીની તપાસ કરવા ગયેલી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ની તપાસ ટીમ પર ખેડૂત પરિવાર દ્વારા ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ લાકડીઓ અને લોખંડના સળિયા વડે ટીમ પર હુમલો કરતાં UGVCL ના વિદ્યુત સહાયક પ્રકાશ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની વિગત એવી છે કે, શનિવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ UGVCL ની ખાસ તપાસ ટીમ થુમથલ ગામમાં વીજળી ચોરીની તપાસ માટે પહોંચી હતી. ટીમે ગામના મોહન રબારીના ખેતર અને ઘરનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખેડૂતે મીટરને બાયપાસ કરીને ડાયરેક્ટ કનેક્શન લીધું હતું. ટીમે ત્યાંથી અનધિકૃત ત્રણ-ફેઝ કનેક્શન અને વીજ ચોરીથી ચાલતા બે મોટા પાણીના પંપ પણ જપ્ત કર્યા હતા, જેનાથી વીજ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.
વીજળી ચોરી કરતા પકડાઈ જતાં મોહન રબારીના પુત્ર વિપુલ રબારી અને તેના બે ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ટીમ પર હુમલો કર્યો હતો. હુમલાની શરૂઆત વિપુલ રબારીએ કરી હતી, જેણે પ્રકાશ પરમારના માથા પર લાકડી વડે જોરદાર હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્રણેયે ભેગા મળીને લોખંડના સળિયા અને લાકડીઓ વડે ટીમના અન્ય સભ્યો પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રકાશ પરમારને ગંભીર ઈજા પહોંચી હતી.
આ મામલે UGVCL દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મોહન રબારીના પુત્ર વિપુલ રબારી સહિત ત્રણ લોકો સામે હુમલો કરવા, વીજળી ચોરી કરવા અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ કાયદેસરનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરકારી કર્મચારીઓ પર કરાયેલા આ હુમલાની ઘટનાએ વીજ ચોરી સામે પગલાં લેતી ટીમોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
