<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યા પ્રકરણ : પાડોશમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા અનિલ નામના શખ્સે બાળકીનું ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી'તી

આરોપીએ લાશને એક કોથળામાં પેક કરી દીધી હતી અને આ કોથળો ભંગારમાં સંતાડી દીધો હતો બાદમાં પકડાઇ જવાના ડરથી આરોપીએ તે કોથળો બાજુમાં આવેલા મૃત બાળકીના ઘરના પાછળના ભાગમાં ફેંકી દીધો'તો

ગાંધીનગર તા.૧૫

ગાંધીનગરના રાયપુરમાં થયેલી બાળકીની હત્યાનો ભેદ ખુલ્યો છે. આ મામલામાં પડોશી યુવક જ હત્યારો નીકળ્યો છે.. ભંગારનો વેપાર કરતા અનિલ નામના શખ્સે બાળકીનું ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી..

 

બાળકીની હત્યાનું કારણ આરોપી અનિલની બાળકીના પિતા સાથે અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે.. આરોપી ગત 12 નવેમ્બરે ઘરની બહાર ઉભેલી બાળકીને લલચાવીને પોતાના ઘરે લઇ ગયો હતો અને બાળકીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ આરોપીએ લાશને એક કોથળામાં પેક કરી દીધી હતી અને આ કોથળો ભંગારમાં સંતાડી દીધો હતો.. બાદમાં પકડાઇ જવાના ડરથી આરોપીએ તે કોથળો બાજુમાં આવેલા મૃત બાળકીના ઘરના પાછળના ભાગમાં ફેંકી દીધો હતો.

 

 

13 નવેમ્બરની રાત્રે, પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક મોટો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. પરિવાર અને પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતાં અંદરથી ગુમ થયેલી બાળકીની જ લાશ પેક કરેલી હાલતમાં મળી આવતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની ગંભીરતા જોતાં ગાંધીનગર એસપી (SP) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી હતી.

(4:35 PM IST)