તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી કરનાર સૌ ખેડૂતોને નફો મળી રહે તે માટે સાગર ઓર્ગેનિક પ્લાન્ટ મહત્વની ભૂમિકા નિભાવશે
મંત્રી અમિતભાઈ શાહની વર્ચુઅલી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણાના બોરીયાવી ખાતે મોતીભાઈ આર ચૌધરી સૈનિક શાળા અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની વર્ચુઅલી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણાના બોરીયાવી ખાતે મોતીભાઈ આર ચૌધરી સૈનિક શાળા અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઇ ગયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્લીમાં થયેલ અતિ દુ:ખદ આતંકવાદી હુમલામાં ઘાયલ તેમજ મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, આતંકી હુમલામાં સંડોવાયેલા કોઈપણ સ્તરે રહેલા તમામ આતંકીઓને કાયદાની અદાલતની સામે લઈ જઈ અને સજા અપાવાવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે. આ કિસ્સામાં પણ કેન્દ્રની ભાજપા સરકાર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે ઉદાહરણરૂપ પગલાઓ લેવા મક્કમ છે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની આતંકવાદી ઘટના ન સર્જાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈની સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. આતંકવાદ સામે લડાઈમાં વિશ્વ સમક્ષ મોદીજીનુ નામ વૈશ્વિક નેતાઓમાં મોખરે છે. કાયરતાપૂર્ણ કરેલા આતંકવાદી હુમલામાં જે લોકો સંકળાયેલા છે તે તમામને જરૂરથી કાયદાની અદાલતમાં સજા મળે તે માટે ભારત સરકાર અને ગૃહમંત્રાલય કૃતનિશ્ચયી છે.
અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યુ હતું કે, મહેસાણાના સૌ નાગરિકો માટે મોતીકાકા આદર્શરૂપ માની શકાય. મોતીકાકાનું સમગ્ર જીવન ગાંધીજીના સિદ્ધાંતો પર આધારિત રહ્યું, પ્રામાણિક, પારદર્શી અને અનેક લોકોના જીવનમાં આ ગુણોનું પ્રચાર પ્રસાર કરતું રહ્યું છે. મોતીકાકા, ગલબાભાઈ, માનસિંગભાઈ, ત્રિભુવનભાઈ જેવા મહાન લોકોએ પોતાના સમયમાં ગુજરાતના પશુપાલકો, ખેડૂતો અને ગામડાઓ માટે સમૃદ્ધિના દ્વાર ખોલવાનુ કાર્ય કર્યું. આજે અમુલ સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરની બ્રાન્ડ બન્યું છે. વિશ્વની સૌથી મજબૂત કોઓપરેટિવ સંસ્થા તરીકે અમુલનું નામ પસંદ થયું છે. મોતીભાઈ ચૌધરીજીના નામે શરૂ કરેલ આ સૈનિક સ્કૂલથી ભવિષ્યમાં અનેક નાના બાળકોને ભારતની સેનાના ઓફિસર બનાવવા સુધીનો રસ્તો પ્રશસ્ત કરશે.
આ સ્કૂલમાં રૂપિયા 50 કરોડના ખર્ચ 11 એકર જગ્યામાં આ સ્કૂલનું બાંધકામ થયું છે, સ્માર્ટ ક્લાસરૂમ, હોસ્ટેલ, લાઈબ્રેરી, કેન્ટીન અને શિસ્તના પાઠ ભણાવવા માટે તમામ પ્રકારની સુવિધાઓ આ સ્કૂલની અંદર ઉપલબ્ધ છે. ગુજરાતની અંદર અત્યારે જ કુલ 206 વિધ્યાર્થી જેમાં 23 દીકરીઓએ પણ પ્રવેશ લીધો છે અને ધોરણ 6થી 9નો અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતના નાના બાળકોને સેના સુધી પહોંચવાનો રસ્તો સરળ બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારે PPP મોડલ ઉપર 100 નવી સૈનિક સ્કૂલોની સ્થાપનાનો નિર્ણય લીધો છે. જે પૈકીની એક મોતીભાઈ ચૌધરી સ્કૂલ નિશ્ચિત રૂપે મહેસાણાનું ગૌરવ બનશે.
અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યુ કે, સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે. અમુલના બ્રાન્ડ હેઠળ વિશ્વસનીય ઓર્ગેનિક પ્રોડક્ટ દેશ તેમજ દુનિયાના નાગરિકો સુધી પહોંચાડાય, ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી કરનાર સૌ ખેડૂતોને તેનો નફો મળી રહે તે માટે આ સાગર ઓર્ગેનિક પ્લાન્ટ મહત્વની ભૂમિકા નિભાવશે. લગભગ 30 મેટ્રિક ટનની ક્ષમતા સાથેનો પ્લાન્ટ NPOP અને APEDA બંનેથી પ્રમાણિત પ્લાન્ટ છે. APEDAનું પ્રમાણીકરણ હોવાના કારણે આપણાં ઉત્તર ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની ઉપજ દુનિયાના બજારો સુધી પહોંચાડવામાં ખૂબ મોટો ફાયદો થશે.
ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડના ઉપયોગના કારણે માણસના શરીરમાં અનેક પ્રકારના રોગોનું સર્જન થયું છે જેના કારણે અનેક પ્રકારની મોટી બીમારીઓથી ગ્રસ્ત થઈ આયુષ્ય પણ ટૂંકું થયું છે. ઓર્ગેનિક પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે તેનું વિસ્તૃતિકરણ પણ થશે અને અમુલ બ્રાન્ડ દેશભરમાં નહીં બલ્કે વિશ્વમાં વિશ્વસનીય ઓર્ગેનિક બ્રાન્ડ પ્રસ્થાપિત થશે. જેના માધ્યમથી દેશના સૌ નાગરિકોનું આરોગ્ય પણ સુધરશે અને સૌ ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોની આવક પણ વધશે. ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોને તેમજ સૌને જીવન જરૂરિયાતમાં પણ ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરવા શાહે આહ્વાન કર્યું હતું.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
