તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલાની ખંડણી કેસમાં ધરપકડ
અપક્ષ કોર્પોરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાની ખંડણીના ગંભીર આરોપસર ધરપકડ

બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાની ખંડણીના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એક કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ધવલ કેલાએ તેમની પાસે ₹20 લાખની ખંડણી માંગી હતી અને પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ ફરિયાદના આધારે ધવલ કેલાની અટકાયત કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલા વિરુદ્ધ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.20 લાખની ખંડણી માંગવાના આરોપસર ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ધવલ કેલાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પરેશ જગાજી કચ્છવા દ્વારા ધવલ કેલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મૂકવામાં આવેલા મુખ્ય આક્ષેપો આ મુજબ છે, ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પરેશ કચ્છવા પાસે કુલ રૂ.20 લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ છે.
ધવલ કેલાએ અગાઉ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.3 લાખ પડાવી લીધા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કોન્ટ્રાક્ટર રૂ.20 લાખ ન આપે તો ધવલ કેલાએ ફરિયાદીને નાર્કોટિક્સ અને પોક્સો જેવા ગંભીર કાયદા હેઠળ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
આ ઘટનાના થોડા સમય અગાઉ ધવલ કેલા કોન્ટ્રાક્ટર પાસેથી ખંડણી માંગી રહ્યા હોવાના કોલ રેકોર્ડિંગ્સ પણ વાયરલ થયા હતા. જેણે આ મામલાને વધુ ચર્ચામાં લાવી દીધો હતો. પોલીસે ફરિયાદના આધારે ધવલ કેલાની અટકાયત કરી છે અને હવે આ સમગ્ર કેસમાં ખંડણીની રકમ, ધમકીઓનું સ્વરૂપ અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
