News of Thursday, 13th November 2025
પુત્ર, પુત્રવધૂની હત્યાઃ લાચાર સંતાનો.. દયનીય બનેલ માતા પિતાનો ips ડો. પાર્થરાજસિંહ ગોહિલ સામેથી સહારો બની, ૨૦ લાખ વળતર અપાવી પુનઃ જીવન ધબકતું કર્યું
રાજકોટના પૂર્વ ડીસીપી અને સાબરકાંઠાના એસપીના માનવતાથી છલકતા આ કાર્ય વિશે જાણી મોઢામાંથી વાહ શબ્દ નીકળ્યા વગર નહિ રહે, વાયરલ કિસ્સાની વિસ્તૃત કથા : વિકટમ કોમ્પનસેસન (ભોગ બનેલાને વળતર) યોજના વિશે પરિવારને સામેથી જાણ કરી અને કાનૂની સત્તામંડળના જીલ્લા કલેક્ટર લલિત નારાયણ સાંધુ સહિતના સભ્યો સમક્ષ એસપી દ્વારા થયેલ રજૂઆતને મંજૂરીની મોહર લાગી : ગભરાઈને ગામ છોડનાર પરિવારને સમજાવી મૂળ ગામમાં પોલીસની ઉપસ્થિતિમાં પુનઃ સ્થાપિત કરાવ્યા, અને ગામના સરપંચ સહિત આગેવાનોને પરિવારની જવાબદારી જીલ્લા પોલીસ વડાએ સુપ્રત કરી આપી છે

રાજકોટ, તા.૧૩: મોટાભાગે પોલીસનું નામ સાંભળતા લોકોના મનોઃ ચક્ષુ સમક્ષ એક અણગમતી તસ્વીર નજર સમક્ષ તરવરવા લાગે છે, અને આવું થવાના કારણો સહુ જાણે છે, પણ પોલીસ તંત્રમાં માનવીય અભિગમ ધરાવતા, અને સામાન્ય લોકોના પ્રશ્નો ઉકેલવા દિલથી તત્પર રહેતા અધિકારીઓ પણ છે, કરૂણા એ છે કે આવી બાબતો લોકો સુધી ઓછો પહોચતી હોય છે, પોલીસ તંત્રને ગૌરવ અપાવતું એક ઉમદા કાર્ય એક ips દ્વારા થયું છે, જે જાણ્યા બાદ પોલીસ તંત્ર વિશે ભાગ્યેજ નીકળે તેવા ‘વાહ'. શબ્દ નિકળ્યા વગર નહિ રહે તો ચાલો આપણે આખા કિસ્સા અંગે જાણીએ.
૧૦ વર્ષ અગાઉ સાબરકાંઠાના ગભોઇ ગામની હદમાં આવેલ શેરડી ટીંબા ગામે બે વ્યક્તિ ( પતિ પત્ની)ની હત્યા થયેલ, પોલીસ દ્વારા સજ્જડ પુરાવા સાથે ખૂબ જહેમત ઉઠાવી અદાલતમાં ચાર્જશીટ કરતા આરોપી અરવિંદને જન્મટીપની સજા થયેલ.
અહીં સુધી તો બધું બરાબર પણ જેમની હત્યા થયેલ તેમના સંતાનો અને વળદ્ધ માતા પિતા ડરના માર્યા ગામ છોડી ચાલ્યા ગયેલ. યોગાનુયોગ સાબર કાંઠાના એસપી તરીકે રાજ્ય સરકારે રાજકોટના પૂર્વ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ જેવા ગુનેગારો માટે કડક અને સામાન્ય લોકોના સુખે સુખી અને તેમના દુઃખે દુઃખી એવા અધિકારીને મુકયા છે. તેમના ધ્યાને આંખો કિસ્સો આવ્યો. સહુ પ્રથમ તેમણે આ વળદ્ધ માતા પિતા અને તેમના સંતાનોને સરકારી નિયમ મુજબ વિક્ટીમ કોમ્પન્સેસન (ભોગ બનનારને વળતર) મલે તે માટે સામેથી તેમનો કોન્ટેક્ટ કરી, આખી કાર્યવાહી જાતે શરૂ કરાવી, અને આ માટે જિલ્લા કાનૂની સત્તા મંડળને ભલામણ કરી.
જિલ્લા ખાતે વિકટીમ કોમપનસેસન કમિટીમાં સચિવ સી.પી. ચારણ (ન્યાયાધીશ), જિલ્લા કાનુની સેવા મંડળની સાથે જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સાંધુ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડો. પાથરાજસિંહ ગોહીલ તથા સિવિલ સર્જન ડો. બી.જે. પટેલ સભ્ય તરીકે છે.
એસપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એ ભોગ બનનાર પરિવારની આખી વ્યથા કથા તમામને સમજાવતા સહુ ભાવુક બની ગયેલ અને મહતમ ૧૦, ૧૦ લાખ મુજબ ૨૦ લાખ વળતર મંજૂર કર્યું. એસપી પાર્થરાજસિંહ ગોહિલે ફરીથી તેમના મૂળ ગામમાં પોલીસ અધિકારી જે.એમ.રબારી સ્ટાફ સાથે જઇ ગ્રહ પ્રવેશ વિધિવત કરાવ્યો. અને ગામના આગેવાનો અને સરપંચ વિગેરે સાથે એસપી પાર્થરાજસિંહ ગોહિલ સાથે ફોનમાં વાત કરાવી, એસપી દ્વારા આ પરિવારની જવાબદારી સરપંચ સહિત આગેવાનોને સુપ્રત કરી, અને પોલીસને પણ આ પરિવારની સમયાંતરે મુલાકાત લેવા ભલામણ કરી, પોલીસનું આવું સ્વરૂપ પણ છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
