<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ગુજરાતમાં પાણીની યોજનાઓના નામે ભ્રષ્‍ટાચારની રેલમછેલ

માત્ર ૧૩ હજાર તળાવો જ ઉંડા કરવા માટે અભિયાનઃ પાણીની ગુણવતા નબળીઃ કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીના પાણીદાર પ્રહારો

અમદાવાદ તા.૧૩: ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ,જેવી જુદી જુદી સ્‍કીમના નામે ગુજરાતમાં જળ વ્‍યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાનો કાળા કારોબાર કરી રહયાનો આક્ષેપ કરી  આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો.મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ૨૦૩ જળાશયો છે અને ૪,૩૦,૬૮૦ ચેકડેમ અને ખેત તલાવડીઓ છે અને એક લાખથી વધુ તળાવો છે. તેમાંથી માત્ર ૧૩,૦૦૦ જ ઊંડાં કરવા માટે આ અભિયાન ચલાવાયું. જો એ બરાબર ચાલ્‍યું હોય તો પણ તે ૧૦ ટકા ગુજરાતીઓની તરસ છીપાવવા માટે પણ પૂરતું ગણાય નહિ. તો બાકીની પ્રજાનું શું?

સરકાર પોતે જ કબૂલે છે કે રાજ્‍યનાં ૮,૨૫૦ ગામો પાણીની નબળી ગુણવત્તા ધરાવે છે, ૨,૭૯૧ ગામો ફલોરાઈડથી દૂષિત પાણી ધરાવે છે, ૪૫૫ ગામો નાઈટ્રેટવાળું પાણી ધરાવે છે અને ૭૯૨ ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આમ, કુલ ૧૦,૨૮૮ ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એનો અર્થ એ છે કે ગુજરાતનાં ૧૮,૭૧૫ ગામોમાંથી ૫૫ ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી. જો આ અભિયાન માત્ર ૧૩,૦૦૦ તળાવો ઊંડાં કરવા માટે હોય તો આ સમસ્‍યા કયારે ઉકેલાશે? વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને અન્‍ય સરકારી સમિતિઓએ ‘સુજલામ સુફલામ યોજના'ને કૌભાંડી જ જાહેર કરી હતી.

દર પાંચ વર્ષે નવી સ્‍કીમ લાવી ભ્રષ્ટાચારના વધુ દરવાજા મોકળા કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ડો.મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા છે, ભૂગર્ભ જળ (ગ્રાઉન્‍ડ વોટર) સતત ઘટી રહ્યું છે, તેમ છતાં કેન્‍દ્ર સરકારે ૨૦૦૫માં બનાવેલું ગ્રાઉન્‍ડ વોટર મોડેલ બિલનો ગુજરાત સરકાર ૨૦ વર્ષ જેટલો સમય થયો છતાં તે અંગે નક્કર કામગીરી કરી નથી. ૨૦૧૮માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં પણ ભૂગર્ભ જળની ગંભીર સ્‍થિતિ અંગે ચિંતા કરતા ગુજરાત સરકારની ટીકા કરતાં જણાવવામાં આવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારે કાયદો અમલમાં મૂકયો નથી. જોકે તે જ સમયગાળામાં સીપીસીબીના રિપોર્ટમાં ગુજરાત તેનું ૬૮ % ગ્રાઉન્‍ડ વોટર વાપરી ચૂકયું છે તેવી ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરાઈ હતી અને આજે તેનાથી પણ ખરાબ સ્‍થિતિ છે. ગુજરાત સરકાર પાણીના નામે માત્ર વાતો કરે છે.

(11:59 AM IST)