તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ધો-૧થી ૫માં શિક્ષક માટે યોગ્ય લાયકાતના ઉમેદવારો ન મળતા અનેક જગ્યા ખાલી
વર્ષો પહેલા પીટીસી કરનારા મોટાભાગના ઉમેદવારોને વર્તમાન ભરતીમાં શિક્ષક તરીકે નોકરી મળી : કચ્છ જિલ્લાની અલાયદી ભરતીમાં પણ ૨૫૦૦ જગ્યા સામે પ્રથમ તબક્કા બાદ ૧૫૦૦ જગ્યા ખાલી

અમદાવાદ,તા.૧૩: રાજ્યમાં વર્ષો પહેલા PTCનો અભ્યાસ કરનારા મોટાભાગના ઉમેદવારોને વર્તમાન ભરતી પ્રક્રિયમાં શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ હોવાની વિગતો સામે આવી છે. ધો-૧થી ૫ના શિક્ષક બનવા માટે કચ્છ જિલ્લાની અલાયદી ભરતી પ્રક્રિયામાં ૨૫૦૦ જગ્યા સામે પ્રથમ તબક્કા બાદ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળવાને કારણે ૧૫૦૦ જગ્યા ખાલી પડી છે. આ ઉપરાંત રાજ્યની સામાન્ય ભરતીમાં પણ ધો-૧થી ૫ના શિક્ષકની ૬૦૦ કરતા વધુ જગ્યા ખાલી પડી છે. આમ, લાયક ઉમેદવારો ન મળવાને કારણે ભરતીમાં જગ્યા ખાલી પડી રહી હોવાની વિગતો સામે આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં ધો-૧થી ૫ અને ધોરણ-૬થી ૮માં અલાયદી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ધો-૧થી ૫માં ૨૫૦૦ જગ્યા ભરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ૫૮૦૦ અરજી શિક્ષણ વિભાગને મળી હતી. જોકે, ભરતી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ યોગ્ય લાયકાત કેટેગરી મુજબના ઉમેદવારો ન મળવાને કારણે ૧૫૦૦ જગ્યા ખાલી પડી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યની સામાન્ય ભરતી પ્રક્રિયામાં પણ ધો-૧થી ૫ના શિક્ષકોની ૫ હજાર જગ્યા સામે ૬૦૦ કરતા વધુ જગ્યા ખાલી પડી છે. જોકે, ધો-૬થી ૮ની ભરતી પ્રક્રિયામાં મોટાભાગની જગ્યા ભરાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૦ વર્ષમાં વિવિધ વિભાગમાં થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું હતું. જેમાં શિક્ષણ વિભાગની ભરતીઓમાં સૌથી વધુ જગ્યા ધો-૧થી ૫ના શિક્ષકોની જ ભરવાની છે. શિક્ષણ વિભાગની ભરતીમાં કુલ જગ્યાની ૭૦ ટકા જગ્યા ધો-૧થી ૫ના શિક્ષકોની ભરતી માટેની હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં આગામી ૧૦ વર્ષમાં ધોરણ-૧થી ૧૨માં ૯૦૬૫૦ શિક્ષકોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ ભરતી પૈકી સૌથી વધુ ધો-૧થી ૫માં જ ૬૩૬૧૫ શિક્ષકોની ભરતી કરાશે. આમ, રાજ્યના શિક્ષણ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી માટેનું કેલેન્ડર જાહેર થતાની સાથે જ રાજ્યમાં જે PTC સંસ્થાઓના પાટાયા પડી હતા અને માત્ર નામ પૂરતી જ સંસ્થાઓ ચાલતી હતી તેમણે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી ઉઘરાણા શરૂ કર્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આવી સંસ્થાઓમાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ પણ મેળવ્યો છે. વર્તમાન ભરતીમાં પણ ભ્વ્ઘ્ અભ્યાસક્રમનો દબદબો રહ્યો હોવાનું જાણવા મળે છે. ધો-૧થી ૫માં શિક્ષકોની કુલ જગ્યામાં પુરતા લાયક ઉમેદવારો મળ્યા જ નથી. વર્ષો પહેલા જે ઉમેદવારોએ PTC કર્યું હતું તેમને શિક્ષક તરીકે નોકરીઓ મળી ગઈ હોવાથી હવે લાયક ઉમેદવારો મળતા ન હોવાનું જાણવા મળે છે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
