<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

વડોદરાના વાઘોડિયા પંથકમાં જમીનનો સોદો કેન્સલ થતા સ્યુસાઇડ નોટ લખી યુવકનો આપઘાત :આરોપીની ધરપકડ

સુસાઈડ નોટના આધારે પોલીસે આરોપી ટ્વિંકલ ઉર્ફે ટીકા ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધ્યો

વડોદરાના વાઘોડિયા તાલુકામાં જમીનના સોદાને લઈને થયેલા વિવાદને પગલે એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કમલનગર વિસ્તારમાં રહેતો 38 વર્ષીય ધર્મેશ પરમારે પોતાના ઘરે ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

 
મળતી માહિતી પ્રમાણે, ધર્મેશ પરમાર અને અન્ય ભાગીદારોની સંયુક્ત માલિકીની જમીન 58 લાખ રૂપિયામાં વેચાણ માટે નક્કી કરવામાં આવી હતી. સોદાની પાવતી પણ તૈયાર કરી લેવાઈ હતી. પરંતુ બાદમાં જમીન રાખનારા ટ્વિંકલ ઉર્ફે ટીકા ઠાકોરે કોઈ કારણસર સોદો કેન્સલ કરી દીધો હતો. આ નિર્ણય બાદ ધર્મેશને સતત ત્રાસ અને દબાણ આપવામાં આવી રહ્યું હતું, એવો ઉલ્લેખ ધર્મેશે પોતાની સુસાઇડ નોટમાં કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

 

ધર્મેશે આપઘાત કરતા પૂર્વે એક ચિઠ્ઠી લખી હતી, જેમાં જમીન સોદો રદ કરનાર ટીકા ઠાકોર દ્વારા ત્રાસ અપાતો હોવાનું સ્પષ્ટ રીતે લખ્યું હતું. પરિવારજનો દ્વારા પણ ધર્મેશ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક દબાણમાં હોવાની માહિતી આપવામાં આવી છે.

 

આ બનાવની જાણ થતાં વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પરથી મળેલી સુસાઈડ નોટના આધારે પોલીસે આરોપી ટ્વિંકલ ઉર્ફે ટીકા ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે

પોલીસના જણાવ્યા મુજબ, આપઘાતના સાચા કારણો અને જમીન સોદાની પૃષ્ઠભૂમિ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધર્મેશના આકસ્મિક મોતથી પરિવારજનો અને વિસ્તારના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

(2:29 PM IST)