News of Tuesday, 11th November 2025
દાહોદના સંજેલીમાં ઝુસ્સા ટેકરા પર વૃક્ષ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો
મૃતક યુવકની ઓળખ ઝુસ્સા ગામના અક્ષય રાવત (ઉં. 22 વર્ષ) તરીકે થઈ: અક્ષય રાવત કામ અર્થે બહારગામ ગયો હતો મૃતદેહ મળતાં સ્થાનિક વિસ્તારમાં શોક અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક ચકચારજનક ઘટના સામે આવી છે. જ્યાં ઝુસ્સા હનુમાન ટેકરા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ મળતાં સ્થાનિક વિસ્તારમાં શોક અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. મૃતક યુવકની ઓળખ ઝુસ્સા ગામના અક્ષય રાવત (ઉંમર આશરે 22 વર્ષ) તરીકે થઈ છે. અક્ષય રાવત કામ અર્થે બહારગામ ગયો હતો અને તેણે પરિવારને પરત આવવાની જાણ પણ કરી હતી.
જોકે રાત્રિ દરમિયાન યુવક ઘરે પરત ન ફરતાં પરિવારજનોને ચિંતા થઈ હતી. પરિવારજનોએ રાતભર યુવકની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન જ તેમનો મૃતદેહ ઝુસ્સા હનુમાન ટેકરા પર વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યાની જાણ થતાં જ વિસ્તારના લોકોએ અક્ષયના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ સંજેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારવાની તથા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. પોલીસ હાલમાં આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. યુવક બહારગામથી પરત આવતો હતો ત્યારે તેની સાથે શું બન્યું, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
