<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

માણસાના સોજા ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયાં

સોજા ગામ એકતાના બળે વડાપ્રધાનના "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્રને સાકાર કરી રહ્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાના સ્વરૂપો અને પરાક્રમોના જ્ઞાન સાથે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવનાને બળ મળે છે: સોજા ગામ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી આદર્શ ગામ બને

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના માણસા તાલુકાના સોજા ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા "સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ"નો કાર્યમંત્ર સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ દ્વારા અર્ધશતાબ્દી મહોત્સવ અવસરે આયોજિત ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાકાર થયો છે.
    મુખ્યમંત્રીએ કહ્યુ કે, વીર વેલુડા મહારાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને સોજા ગામની રક્ષા કરી હતી. આજે સોજા ગામના શ્રી વીર વેલુડા સેવા મંડળના દરેક ઉંમર, દરેક જાતિ, દરેક વર્ગના લોકો ખભેખભા મિલાવીને સમરસતાનું કાર્ય કરી રહ્યા છે.
   તેમણે જણાવ્યું હતું કે, એકતાના બળે સોજા ગામ વડાપ્રધાનના "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્રને સાકાર કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કાશી, ઉજ્જૈન, અયોધ્યા, સોમનાથમાં જે રીતે વિકાસને વિરાસત સાથે જોડી એ જ રીતે સોજા ગામ પણ વિકાસ અને વિરાસતને આગળ વધારી રહ્યું છે. 
મુખ્યમંત્રીએ કહ્યુ કે, આ અર્ધ શતાબ્દી મહોત્સવને વધુ પવિત્ર બનાવવા માટે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને શતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ માતૃશક્તિનો મહાન ગ્રંથ છે. તેમા માં ભગવતીના મહિમાનું વર્ણન છે. 
માતાજીના અનેક સ્વરૂપો દેવી ભાગવત અને શક્તિ ઉપાસનાના સાહિત્યમાં જોવા મળે છે. દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાના સ્વરૂપોનું અને પરાક્રમોનું જ્ઞાન મળે છે, સાથે જ શક્તિ સ્વરૂપા માતાનું મહત્વ સમજાતા સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવનાને પણ બળ મળે છે તેમ તેમણે ઉમેર્યું હતું. 
વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે તેમાં સોજા ગામ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી આદર્શ ગામ બને તેવી પ્રેરણા મુખ્યમંત્રીએ આપી હતી.
કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ મુખ્યમંત્રીને ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં સેવા મંડળના કાર્યકર્તાઓ તથા સરપંચ સુશીલાબેન પટેલ અને મોહનભાઈએ  મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.  
     અર્ધ શતાબ્દી મહોત્સવની આ ઉજવણી પ્રસંગે ધારાસભ્ય જે.એસ.પટેલ, અગ્રણી નારાયણભાઈ પટેલ, રીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, ભાવિનભાઈ પટેલ, ઘનશ્યામસિંહ વાઘેલા, ચંદુભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

(7:28 PM IST)