તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
રૂપિયા ડબલ કરવાની લાલચ: 'બાબા'ની ટોળકીએ બોડેલીના અનાજ ના વેપારીને રૂ.૩૦ લાખમાં ઠગ્યો
ધાર્મિક વિધિના નામે ખેલ: પોલીસની ધમકી આપી ડબલ પડાવી લેવાનું આયોજનબદ્ધ કાવતરું: નિલેશ અગ્રવાલને એક વેપારી મિત્રએ ગોપીનાથબાબા સાથે સંપર્ક કરાવ્યો હતો., બાબાએ કહેલુ લાભપાંચમ સુધી તારૂ કામ થઇ જશે, બાદ એક વિધિ કરવાના બહાને નર્મદા નદીએ વિધિ કરાવવા જતા ૩૦ લાખ પડાવી લીધા હતા

અમદાવાદ/બોડેલી: બોડેલીમાં અનાજ-કરિયાણાનો વેપાર કરતા એક વેપારીને 'ભગવાન' બનીને બેઠેલી ઠગ ટોળકીએ ધાર્મિક વિધિ અને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને રૂ. ૩૦ લાખની રોકડની ઠગાઈ કરી હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. વેપારી નિલેશ ઓમપ્રકાશ અગ્રવાલે શિનોર પોલીસ સ્ટેશનમાં ગોપીનાથ બાબા ઉર્ફે ઐયુબ બેલીમ સહિત કુલ નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, નિલેશ અગ્રવાલને તેમના પરિચિતો ઝાકીરભાઈ, દક્ષેશ ઠાકર અને ભૌમિક ઠાકરે ગોપીનાથ બાબા સાથે સંપર્ક કરાવ્યો હતો. ઝાકીરે દાવો કર્યો હતો કે બાબાએ તેનું લેણું પતાવી આપ્યું છે અને તે નિલેશને દેવામાંથી બહાર કાઢીને રૂપિયા ડબલ કરી આપશે. ગોપીનાથ બાબાએ નિલેશને ગુપ્ત વિધિ કરવાનું કહીને લાભ પાંચમ સુધી તે મુજબ કામ કરાવ્યું. બાદમાં બાબાએ ઘરે આવીને નર્મદા નદી પર વિધિ કરવા માટે સેગવા ચોકડી પર તેમના માણસને રૂ. ૩૦ લાખ રોકડા આપી દેવાનું કહ્યું હતું.
નિલેશ અગ્રવાલ રોકડ ભરેલો થેલો બાબાના માણસને આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે પોઈચા બ્રિજથી આગળ પોલીસના માણસો (બનાવટી)એ તેમની ગાડી રોકી હતી. તેમણે બાબાના સામાનમાં 'ગાંજા જેવું' હોવાનું કહીને ગાડી પોલીસ સ્ટેશન લેવાની ધમકી આપી. બાદમાં પોલીસના માણસોએ નિલેશને દક્ષેશની હોટલ પાછળ લઈ જઈ લાકડી વડે માર મારીને કહ્યું કે જો પતાવટ કરવી હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે! આ દરમિયાન બાબાએ નિલેશને 'તું અહીંથી નીકળી જા, હું તો જેલમાંથી છૂટી જઈશ' એમ કહીને રવાના કરી દીધો હતો.
બાદમાં નિલેશને જાણ થઈ કે તેમની સાથે ઠગાઈ થઈ છે, જેમાં બાબા અને કહેવાતા પોલીસકર્મીઓની આખી ટોળકી સામેલ હતી. શિનોર પોલીસે આ જટિલ ષડયંત્ર અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેથી ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનારી આ ટોળકીને ઝડપી શકાય.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
