તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
રવિવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ: CCTV થી કૃષિ વિભાગ રાખશે નજર
ક્લાસ 1 અથવા 2 વર્ગના અધિકારી કેન્દ્ર પર હાજર રહેશે: 97 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સોમવારથી રાજ્યના 300 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

અમદાવાદ :આવતીકાલથી શરૂ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. CCTVની નજરે કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે. CCTVનું લાઇવ સ્ટ્રીમિંગ કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે થશે. ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખશે. ક્લાસ 1 અથવા 2 વર્ગના અધિકારી આવતીકાલે કેન્દ્ર પર હાજર રહેશે. આવતીકાલે 97 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સોમવારથી રાજ્યના 300 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આ વર્ષે ઘણી મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેના કારણે વધુ ઉત્પાદનની આશા હતી. પરંતુ સતત પડતા વરસાદને કારણે ઘણા ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રોસેસ શરૂ થઈ હતી. 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થવાની હતી, પરંતુ વરસાદની આગાહીના પગલે ખરીદી મુલતવી રાખવામાં આવી હતી.
હવે સરકાર દ્વારા ફરી જાહેરાત કરવામાં આવી છે કે 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. ટેકાના ભાવમાં આ વર્ષે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો વધારો થયો છે. જોકે, ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે મગફળી પલળી ગઈ છે. જેના કારણે, જ્યારે તેઓ ટેકાના ભાવે મગફળી વેચવા જશે ત્યારે ઘણી નબળી ક્વોલિટીની મગફળી રિજેક્ટ થઈ જશે. આથી, ખેડૂતોને ડબલ માર પડવાની શક્યતા છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
