<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

આઠ મ્‍યુનિ.કમિશનરોની સ્‍પે.એડી. ડિસ્‍ટ્રીક્‍ટ ઈલેકશન ઓફિસર તરીકે નિયુક્‍તિ

મનપાના મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાનો પણ સમાવેશ : ગુરૂવારે બેઠક યોજાઇ

રાજકોટ, તા. ૮: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં પણ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. ૨૭ ઓક્‍ટોબરથી રાજ્‍યભરમાં શરૂ કરવામાં આવેલી ડોર(સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા કેન્‍દ્રીય ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્‍સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેગઇકાલે બેઠક યોજી હતી. જેમાં કલેકટરો અને મ્‍યુનિ.કમિશનર ઉપસ્‍થિત  રહ્યા હતા.

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્‍યની આઠ મહાનગરપાલિકાઓના મ્‍યુનિસિપલ કમિશનરોને સ્‍પેશિયલ એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ ઇલેક્‍શન ઓફિસર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. આ તમામ કમિશનરો દ્વારા તેમના તાબા હેઠળના સ્‍ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે. વધુમાં, ભારતના ચૂંટણી પંચના ઉચ્‍ચ અધિકારીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઓફિસર્સ દ્વારા SIR અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્‍ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ સહિત મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ગાંધીનગર ખાતે રાજ્‍યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનરોને ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્‍સેના અને સચિવ બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે SIR  દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયકતા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:01 PM IST)