તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
કાલે ભુપેન્દ્રભાઇ જૂનાગઢમાં : સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે પદયાત્રા
આજે સાંજે મુખ્યમંત્રીનું આગમનઃ રાત્રી રોકાણ કરશેઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., ૮ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતિની ઉજવણીના ભાગરૂપે આવતીકાલ રવિવારે જૂનાગઢમાં ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય વ્યાપી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ આવી રહ્યા હોય અને તેઓ રાત્રિ રોકાણ પણ કરનાર હોવાથી તેમની સુરક્ષા, ટ્રાફિક નિયમન લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે. જેની સાથે રાજ્યભરમાં પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય વ્યાપી પદયાત્રાનો સૌ પ્રથમ પ્રારંભ જૂનાગઢ ખાતેથી થશે. સરદાર પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના યાસોમાંથી મુક્ત કરી ભારતનો અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું.
આવતીકાલ રવિવાર ૯ નવેમ્બરના રોજ સવારે ૭.૩૦ કલાકે શહેરની ઐતિહાસિક બહાઉદીન કોલેજ ખાતેથી આયોજિત પદયાત્રામાં મુખ્યમંત્રી સહભાગી બનશે.
પદયાત્રા સહિતના કાર્યક્રમોમાં સહભાગી થવા ભુપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે વિમાન માર્ગે કેશોદ ખાતે આવી પહોંચશે. ત્યાંથી મોટર માર્ગે જૂનાગઢ પહોંચશે અને રાત્રિ રોકાણ મનોરંજન સર્કિટ હાઉસમાં કરશે. મુખ્યમંત્રીના પ્રવાસને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસપી સુબોધ ઓડેદરાએ તેમની સાથે એએસપી, ૫ ડીવાયએસપી, ૨૪ પીઆઇ, ૫૭ પીએસઆઇ, ૬૭૪ પોલીસ, ૫૦ હોમગાર્ડ તૈનાત કર્યા છે. ખાસ કરીને મુખ્યમંત્રી જ્યારે રાત્રિ રોકાણ કરવાના છે તે મનોરંજન સર્કિટ હાઉસ ઉપરાંત પદયાત્રાના રૂટ સહિતના માર્ગો, વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
