<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

અમદાવાદમાં અનેક લોકોને સરકારી મકાન અપાવવાની લાલચ આપી ઠગ દંપતીએ લાખો પડાવ્યા:બન્નેની ધરપકડ

શાઈનબાનુ સિપાઈ અને અનવર સિપાઈ આ બન્ને પતિ પત્નીએ ભેગા મળીને જુહાપુરામાં અંબર ટાવરની પાછળ નવા બનતા હાઉસિંગના મકાનો સસ્તામાં અપાવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા

અમદાવાદ શહેરમાં પોતાની માલિકીનું ઘર હોય તેવા સ્વપ્ન દરેક શહેરીજન જોવે છે, પરંતુ આ સપનું પુરુ કરવાનાં ચક્કરમાં અનેક લોકો ઠગાઈનો શિકાર બને છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અનેક લોકોને સરકારી મકાન અપાવવાની લાલચ આપી ઠગ દંપતીએ લાખો રૂપિયા પડાવ્યા અને બાદમાં ફરાર થઈ ગયા, જોકે આ કેસમાં પોલીસે બંટી બબલીની ધરપકડ કરી છે, કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે લોકોને શિકાર બનાવ્યા જોઈએ આ અહેવાલમાં...

 

વેજલપુર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ શાઈનબાનુ સિપાઈ અને અનવર સિપાઈ છે, આ બન્ને પતિ પત્નીએ ભેગા મળીને જુહાપુરામાં અંબર ટાવરની પાછળ નવા બનતા હાઉસિંગના મકાનો સસ્તામાં અપાવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઈ હતી, જોકે નાસ્તા ફરતા આ બંટી બબલી હવે પોલીસનાં હાથે લાગ્યા છે. આરોપીઓએ ફરિયાદી સહિત કુલ 10 લોકો પાસેથી 21.80 લાખ રૂપિયા મકાન અપાવાના નામે મેળવી લીધા હતા અને બાદમાં ભાગી ગયા હતા. જોકે આ આરોપીઓ સાથે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

 

આરોપી દંપતીની વેજલપુર પોલીસે ધરપકડ કરીને પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓળખાણ હોવાનુ કહીને લોકો સાથે ઠગાઈ કરી હતી. અને તેઓને ભરોસો અપાવા માટે રૂપિયા ભર્યાની નકલી પહોંચ આપી હતી. ફરિયાદીને આરોપીઓ પર ભરોસો આવતા બાદમાં અન્ય 9 લોકોએ પણ મકાન લેવા માટે આરોપીઓને 50 હજારથી લઈને 2-3 લાખ રૂપિયાની રકમ આપી હતી. અંતે મકાન ન મળતા ભોગ બનનારા શાઈનબાનુના ઘરે જઇને આ બાબતે વાત કરતા, હું પૈસા લઈને ભાગી નથી જવાની,, તમે કહેતા હોવ તો નોટરી કરાવી દવું. તેવુ કહીને અંતે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી પણ કરાવી હોવાનુ સામે આવ્યું છે.

 

આ મામલે વેજલપુર પોલીસે વધુ તપાસ માટે બંટી બબલીને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે, તેવામાં આ આરોપીઓએ ભોગ બનનારાને આપેલી બનાવટી પહોંચ કોની પાસે બનાવડાવી અને હાઉસિંગમાં કે પછી કોર્પોરેશનમાં આરોપીઓનો કોઈ પરિચીત વ્યક્તિ છે કે તેમ તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ફરાર અન્ય બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(9:28 PM IST)