તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
વાવના કોટેશ્વર કોમ્પલેક્ષમાં આવેલી રેડીમેડ અને હેન્ડલૂમની બે દુકાનોમાં અચાનક આગ ભભુકી : લાખો રૂપિયાનું નુકસાન
પૂનમની રજા હોવા છતાં કોમ્પલેક્ષના અન્ય વેપારીઓ અને સ્થાનિક લોકોની નજર આગ પર પડતાં જ તુરંત કાર્યવાહી શરૂ થઈ

બનાસકાંઠા: વાવના કોટેશ્વર કોમ્પલેક્ષમાં આવેલી રેડીમેડ અને હેન્ડલૂમની બે દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતાં લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આ ઘટના રજાના દિવસે, એટલે કે પૂનમના દિવસે બપોરના સમયે બની હતી, જેના કારણે કોમ્પલેક્ષમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, પૂનમની રજા હોવા છતાં કોમ્પલેક્ષના અન્ય વેપારીઓ અને સ્થાનિક લોકોની નજર આગ પર પડતાં જ તુરંત કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો દૂરથી દેખાતા જ લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું.
જોકે, રેડીમેડ અને હેન્ડલૂમની દુકાનોમાં કાપડ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી હતી. સ્થિતિની ગંભીરતા જોતાં તુરંત જ થરાદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. થરાદથી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોના પ્રયાસો અને ફાયર બ્રિગેડની સખત મહેનત બાદ આખરે ભીષણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
આ આગને કારણે બંને દુકાનોમાં મોટું નુકસાન થયું છે. દુકાન માલિકોના જણાવ્યા મુજબ કાપડ, માલ-સામાન અને ફર્નિચર મળીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. સદ્ભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પૂનમની રજાના દિવસે બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
