<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

સરહદનાં ગામોની સુરક્ષા અને સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી પહેલ : ૩૦ સિનિયર IPS અધિકારીઓ સાથે લખપતની મુલાકાત

હર્ષ સંઘવી આવતીકાલે કચ્છના સીમાવર્તી ગામોમાં દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરશે : આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા અને BSF સાથે બેઠક : તમામ અધિકારીઓને ગામમાં જ રોકાણ કરવાના સ્પષ્ટ નિર્દેશ

ગાંધીનગર, તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૫ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ૩૦ સિનિયર IPS અધિકારીઓની ટીમ આવતીકાલે તા. ૬ નવેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન સરહદ પરના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામડાઓની મુલાકાત લેવા જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી તેમના આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થશે.
ભૂંગામાં રાત્રિ રોકાણ અને ખાટલા સભા
આ મુલાકાતનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં જ રાત્રિ રોકાણ કરશે. તેમણે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓને પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી-કહેણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે.
મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રી ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરાશે.
સર્વગ્રાહી સમીક્ષાના મુખ્ય મુદ્દા
આ મુલાકાતનો હેતુ સીમાવર્તી ગામોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. જેમાં નીચેના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે:
 * આરોગ્ય અને શિક્ષણ
 * માળખાગત સુવિધાઓ
 * સ્વચ્છતા
 * સલામતી અને સુરક્ષા
સરહદી સુરક્ષા અંગે BSF સાથે બેઠક
સીમાવર્તી સુરક્ષાના વિષયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એન્ટીનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે BSF અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું છે. આ સાથે જ BSF જવાનો સાથે પણ સંવાદ કરીને સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવવામાં આવશે,તેમ માહિતી ખાતાની એક યાદીમાં જણાવાયું છે.

(5:01 PM IST)