તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
અમદાવાદમાં ખોફનાક ષડયંત્રનો પર્દાફાશ : પત્ની અને પ્રેમીએ પતિ સમીર બિહારીની હત્યા કરી લાશ એક વર્ષ સુધી ઘરમાં દાટી રાખી
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમને મોટી સફળતા : સરખેજના ઇમરાન વાઘેલાએ ગુનાની કબૂલાત કરતાં એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં લાશના અવશેષો મળી આવ્યા : FSL અને DNA તપાસની કાર્યવાહી શરૂ

રાજકોટ, તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૫ : અમદાવાદ શહેરમાં એક વર્ષ જૂની અને અત્યંત સનસનાટીપૂર્ણ હત્યાના કેસ પરથી ક્રાઈમ બ્રાન્ચે પડદો હટાવતા ભારે સન્નાટો ફેલાઈ ગયો છે. પત્ની અને તેના પ્રેમીએ મળીને પતિની હત્યા કરી લાશને તેના જ ઘરમાં દાટી દીધી હતી.
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમને આ ખોફનાક ષડયંત્રને ઉકેલવામાં મોટી સફળતા મળી છે.
હકીકત અને ગુનાની કબૂલાત
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં રહેતા સમીર બિહારી નામના વ્યક્તિની હત્યા તેની પત્ની અને તેના પ્રેમી ઇમરાન વાઘેલા દ્વારા લગભગ એક વર્ષ પહેલાં કરવામાં આવી છે. એટલું જ નહીં, સમીર બિહારીની લાશ તેના જ ઘરમાં દાટી દેવામાં આવી હતી.
આ હકીકતના આધારે સૌપ્રથમ માહિતીની ખરાઈ કરવામાં આવી. હકીકત સાચી હોવાની ખાતરી થતાં, ઇમરાન વાઘેલાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી.
ઇમરાન વાઘેલાએ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી લીધી અને લાશ જે જગ્યાએ દાટી હતી તે જગ્યા બતાવી.
લાશના અવશેષો મળ્યા
ક્રાઇમ બ્રાન્ચે તરત જ એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં લાશ કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, મરણ જનારની લાશના અવશેષો (અસ્થિ, માંસપેશીઓ તથા વાળ વગેરે) મળી આવ્યા હતા.
મળી આવેલા માનવ અવશેષોની ઓળખ અને હત્યાની પુષ્ટિ માટે ફોરેન્સિક તપાસ અને ડી.એન.એ. (DNA) લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ હત્યા અને પુરાવા નાશ અંગેનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં પત્નીની ભૂમિકા અંગે પણ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
