<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

આજે કારતિકી પૂનમ અને દેવ દિવાળીનો પાવન દિવસ અનેક ધાર્મિક સ્થળોએ દર્શનનું વિશેષ મહત્વ : ઉત્તર ગુજરાતમાં સ્થિત આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું

દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ માત્ર પોતાના માટે નહીં, પણ સમગ્ર ગુજરાતના કલ્યાણ અને રાજ્ય ઉપર કોઈ આપત્તિ ન આવે તે માટે પ્રાર્થના કરી : ભક્તોએ વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક સત્ર ફળદાયી નીવડે તેવા આશીર્વાદ માગ્યા

બનાસકાંઠા તા.૫ : આજે કારતિકી પૂનમ અને દેવ દિવાળીનો પાવન દિવસ છે, જેની અનેક ધાર્મિક સ્થળોએ દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જોકે, ઉત્તર ગુજરાતમાં સ્થિત આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. હવે માત્ર ભાદરવી પૂનમ જ નહીં, પણ બારેમાસ અંબાજી યાત્રાધામ શ્રદ્ધાળુઓથી ધબકતું રહે છે. શ્રદ્ધાળુઓમાં અંબાજી પ્રત્યેની આસ્થા એટલી વધી છે કે હવે પદયાત્રીઓ સતત પગપાળા યાત્રા કરી માતાજીના ધામમાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ભક્તોમાં ઉત્સાહ ચરમસીમા પર જોવા મળ્યો હતો. અનેક શ્રદ્ધાળુઓ લાંબી ધજાઓ લઈને મા અંબાના મંદિરે પહોંચ્યા હતા.

સામૂહિક કલ્યાણ માટે પ્રાર્થના

દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ માત્ર પોતાના માટે નહીં, પણ સમગ્ર ગુજરાતના કલ્યાણ અને રાજ્ય ઉપર કોઈ આપત્તિ ન આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ખાસ કરીને આજે શૈક્ષણિક સંસ્થાઓનો અંતિમ દિવસ છે અને આવતી કાલથી નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે ભક્તોએ વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક સત્ર ફળદાયી નીવડે તેવી આશીર્વાદ માગ્યા હતા. આ સાથે જ, ખેડૂતો માટે પણ આવતું વર્ષ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ગુલાબી ઠંડીમાં સેવાનો અનોખો યજ્ઞ

હાલમાં કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ઠંડા માહોલમાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને હૂંફ આપવા માટે ઊંઝાના જય અંબે ગ્રુપ દ્વારા અંબાજી મંદિર પરિસરમાં નિઃશુલ્ક ચાની પરબ શરૂ કરવામાં આવી છે. આ સેવા કાર્ય થકી ગ્રુપ દ્વારા શ્રદ્ધાળુઓને ગરમાગરમ ચા પીરસીને માનવસેવાની ભાવનાને ઉજાગર કરવામાં આવી રહી છે. દેવ દિવાળીના આ પવિત્ર અવસરે અંબાજીમાં આસ્થા, પગપાળા યાત્રા અને સેવાના ત્રિવેણી સંગમ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

(3:39 PM IST)