<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

કમોસમી વરસાદના નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડૂતોને હૈયાધારણ : ૯મી નવેમ્બરથી મગફળી, મગ, સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે

મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરીને સરકારની કટિબદ્ધતા જાહેર કરી : કુદરતી આપદાની ઘડીમાં અન્નદાતાની આર્થિક સુખાકારી માટે સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત હોવાનો નિર્દેશ

ગાંધીનગર, તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૫ : રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે.
ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય
ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ, રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ૯મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે. અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે. સરકારના આ નિર્ણયથી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત હજારો ખેડૂત પરિવારોને આર્થિક ટેકો મળશે.

 

(1:32 PM IST)