<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

"નો ડ્રગ્સ ઇન સુરત સિટી" અભિયાનની ઐતિહાસિક સફળતા : ૬ મહિનામાં ૧૧૫થી વધુ કેસ, ૨૫૪ ડ્રગ્સ માફિયા જેલ ભેગા : ગુજરાતમાં સૌથી વધુ કેસ

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આક્રમક રણનીતિ : દરેક પોલીસ સ્ટેશનમાં PSI અને સ્ટાફની વિશેષ ફાળવણીથી કેસોમાં નોંધપાત્ર વધારો : ઝોન-૬ અને ઝોન-૧ સૌથી આગળ : મોટાભાગના આરોપીઓને જામીન માટે મોટી કોર્ટમાં જવું પડ્યું

 

 

રાજકોટ, તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૫ : સુરત શહેરને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આક્રમકતા રંગ લાવી છે. પૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શરૂ કરાયેલા અને અનુપમસિંહ ગેહલોત દ્વારા વધુ અસરકારક બનાવાયેલા "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" અભિયાન હેઠળ છેલ્લા છ મહિનામાં સુરત પોલીસે ૧૧૫થી વધુ ગુનાઓ નોંધીને ૨૫૪ ડ્રગ્સ માફિયાઓ અને પેડલરોને પકડી પાડ્યા છે. આ સિદ્ધિ સાથે સુરત શહેર પોલીસ ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ સંબંધિત કેસો કરવામાં અવ્વલ નંબર પર આવ્યું છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગતો આપતા જણાવ્યું કે, યુવા પેઢીને બરબાદ કરતા ડ્રગ્સ માફિયાઓ પર સકંજો કસવા માટે એક મહત્ત્વનો ફેરફાર કરાયો છે.
તમામ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ટીમ
અગાઉ સ્થાનિક પોલીસ નાની માત્રા (૧ ગ્રામ, ૫ ગ્રામ કે ૧૦ ગ્રામ)ના ગાંજા, અફીણ કે ડ્રગ્સના કેસ કરતા ખચકાતી હતી, કારણ કે કેસની અન્ય તપાસોમાં વધુ સમય જતો હતો.
જોકે, હવે "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" અભિયાનને વેગ આપવા માટે સુરત શહેરના તમામ ૩૭થી વધુ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે અલગથી એક PSI અને પાંચ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે સ્થાનિક લેવલ પર પણ ડ્રગ્સ પેડલરો સામે કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ઝોન અને કેસની વિગતો
સુરત શહેરમાં છેલ્લા ૧૦ મહિનાની અંદર કુલ ૧૧૫થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે પાછલા વર્ષે (૨૦૨૪માં) માત્ર ૫૨ કેસ હતા. ઝોન પ્રમાણે થયેલી કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે:
 * ઝોન-૧: ૨૪ કેસ, ૪૦ આરોપી
 * ઝોન-૨: ૭ કેસ, ૨૭ આરોપી
 * ઝોન-૩: ૬ કેસ, ૨૧ આરોપી
 * ઝોન-૪: ૧૦ કેસ, ૨૭ આરોપી
 * ઝોન-૫: ૧૨ કેસ, ૨૯ આરોપી
 * ઝોન-૬: ૨૩ કેસ, ૪૧ આરોપી
 * ઝોન-૭: ૮ કેસ, ૧૩ આરોપી
સૌથી વધુ કેસ ઝોન-૬ અને ઝોન-૧ માં નોંધાયા છે. સ્થાનિક લેવલ પર વેચાણ કરતા ડ્રગ્સ માફિયાઓને પકડવામાં સારોલી, પૂણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનનો ફાળો સૌથી મહત્ત્વનો રહ્યો છે, સાથે સાથે પાંડેસરા, ઉધના અને ખટોદરા પોલીસ સ્ટેશનોએ પણ સારી કામગીરી કરી છે.
જાગૃતિ અને કાયદાનું પાલન
પોલીસની આ સખત કાર્યવાહીની સૌથી મહત્ત્વની બાબત એ છે કે પકડાયેલા મોટા ભાગના ૨૫૪ આરોપીઓને નામદાર કોર્ટમાંથી જામીન અરજીઓ નકારી કાઢવામાં આવી છે, જેના કારણે તેમને જામીન માટે મોટી અદાલતમાં જવું પડ્યું છે. આ બાબત સુરત શહેર પોલીસની તપાસની વિશ્વસનીયતા દર્શાવે છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ડીસીપી જયદીપસિંહ નકુમ, પીઆઈ અતુલ સોનારા, અશોક ચૌધરી અને પંડ્યા સહિતના સ્ટાફને વિશેષ ભૂમિકા બદલ બિરદાવ્યા છે. હવે યુવા પેઢી ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે મોડી રાત સુધી ચાલતા ચા અને પાનના ગલ્લાઓ પર પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

 

(12:45 PM IST)