તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
બેવડી ઋતુને કારણે ફરીવાર અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો
પાણીજન્ય રોગચાળો વકરતાં શહેરમાં ઠેર ઠેર હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ : લોકો ઝાડા ઉલ્ટીથી લઇને મલેરિયા, કમળો અને ટાઇફૉઇડ જેવા રોગોનો શિકાર બની રહ્યા છે.

અમદાવાદ :શિયાળાની ઋતુની શરૂઆત તો થઇ ગઇ છે, છતા હજુ માવઠુ જોર પકડી રહ્યું છે. બેવડી ઋતુને કારણે ફરીવાર અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં શહેરમાં ઠેર ઠેર હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઓકટોમ્બર મહિનામાં પાણી જન્ય રોગચાળાના તાજા આંકડા સામે આવ્યા જે ચોંકવનારા છે, ગંદા પાણીને લઇને લોકો ઝાડા ઉલ્ટીથી લઇને મલેરિયા, કમળો અને ટાઇફૉઇડ જેવા રોગોનો શિકાર બની રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં પાણી જન્ય રોગચાળાથી દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. ઓકટોબર મહિનામાં અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 241 કેસ નોંધાયા છે, અને કમળાના 199 કેસ નોંધાયા છે. તાજા આંકડા પ્રમાણે, ચાલુ માસમાં શહેરમાં ટાઇફૉઇડના 227 જેટલા કેસ નોંધાયા છે, મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 253 કેસ સામે આવ્યા છે. ડબલ સીઝનના કારણે વાયરલ કેસમાં પણ વધારો નોંધાયો છે. એકજ દિવસમાં 1200થી વધુ વાયરલ કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં ફોગિંગ, દવા છંટકાવ અને જનજાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે. જોકે, નાગરિકોને પણ પોતાના ઘરો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો અટકાવવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તત્કાળ તબીબી સલાહ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સંકટનો સામનો કરવા માટે સરકારી પ્રયાસો સાથે જ લોકોનો સહયોગ પણ અત્યંત જરૂરી છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
