તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી થયા
મુખ્યમંત્રીએ સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી

મોરબી, તા. 4 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાં સહભાગી થયા. મહોત્સવના દ્વિતીય દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલે સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાની દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને દીપકભાઈએ સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનની પુજન અર્ચન અને આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી. ભૂપેન્દ્રભાઈએ પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લઈને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની અને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી. તેમણે આ પ્રસંગે આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. વળી, દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-૬ અર્પણ કર્યું હતું.
મોરબીમાં દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન ૦૯ નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ તા.૦૩ નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો.
દીપકભાઈએ જ્ઞાનની પ્રેરક વાતો કરી:
આત્મજ્ઞાની દીપકભાઈએ આ સત્સંગમાં આત્મા વગરનાં શરીર, કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુખોથી મુક્તિ, શુધ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), અને ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવા સહિત જ્ઞાનની પ્રેરક વાતો કરી હતી.
આ વેળાએ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, દાદા ભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
