<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

અણધારી આફત : ઓલપાડના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળ પર જઈ ખેડૂતોની વેદના સાંભળી, સર્વેના તાત્કાલિક આદેશ આપ્યા

ખેતરોમાં ભરાયેલા પાણી ઓસર્યા બાદ નુકસાનીનો સર્વે કરવા તેમજ રસ્તા પર સૂકવેલા ડાંગરના પાકનો અલગથી સર્વે કરવાના મંત્રીના નિર્દેશ : મુખ્યમંત્રીના આદેશથી સુરત જિલ્લાના ૫૫૦ અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ : ૧૯,૯૪૭ હેક્ટરમાં ડાંગર, મકાઈ, સોયાબીન અને શાકભાજીને મોટું નુકસાન

સુરત: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા ભારે નુકસાનની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ધારાસભ્ય મુકેશ પટેલ પણ જોડાયા હતા. કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો જાત તાગ મેળવી તેમણે ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળી હતી.
ખેડૂતોની રજૂઆતો ધ્યાને લઈ તાત્કાલિક સર્વેના આદેશ
નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લીધી હતી. કમોસમી વરસાદને કારણે વિવિધ ગામોના ખેતરોમાં પાણી ભરાયા છે. આ પાણી ઓસર્યા બાદ પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવવા માટે ખેડૂતોએ મંત્રીને વિનંતી કરી હતી. ખેડૂતોની આ માગણીને ધ્યાનમાં લઈને મંત્રીએ પાક નુકસાનીના સર્વે માટે તાત્કાલિક આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, ઓલપાડ તાલુકામાં રસ્તા પર સૂકવવા માટે મૂકેલા ડાંગરના પાકને પણ મોટું નુકસાન થતાં, મંત્રીએ તેનો અલગથી સર્વે કરવાની સૂચના આપી હતી.
મુખ્યમંત્રીના આદેશથી તાત્કાલિક સર્વે શરૂ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર, શાકભાજી સહિતના પાકોમાં થયેલા નુકસાનનો સર્વે તાત્કાલિક શરૂ કરી દેવાયો છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર આ મુશ્કેલીના સમયમાં ખેડૂતોની પડખે રહીને મહત્તમ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
જિલ્લામાં ૧૯,૯૪૭ હેક્ટરમાં પાકને નુકસાન
સુરતના નાયબ ખેતી નિયામક એન.જી. ગામીત દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સમગ્ર સુરત જિલ્લામાં કુલ ૫૫૦ અસરગ્રસ્ત ગામો માટે ૩૫૦ પ્રાઈવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં ૫૩ ગામોમાં સર્વે પૂર્ણ થયો છે. સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, સુરત સિટી અને ઉમરપાડા સહિતના અસરગ્રસ્ત તાલુકાઓમાં કુલ ૧૯,૯૪૭ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. આ નુકસાનીમાં સૌથી વધુ અસર ડાંગરના પાકને થઈ છે, ત્યારબાદ મકાઈ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોને પણ મોટું નુકસાન થયું છે.

 

(5:35 PM IST)