<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ગાંધીનગરમાં ટૂંક સમયમાં રાજયના તમામ મેયરોની મીટીંગ

મહાનગર પાલિકાના વિકાસ કાર્યોમાં સામ્‍યતા અને સાતત્‍યતા જળવાય તે અર્થે મહાનગર પરીષદની રચના : મહાનગર પરિષદ રાજયના તજજ્ઞો તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓને માર્ગદર્શન આપશે

 

રાજકોટઃ ગુજરાતમાં જૂના અને સૂચિત ૯ મળી હાલ ૧૯ મહાનગર પાલિકા અસ્‍તિત્‍વમાં છે જેની ચૂંટણી જાન્‍યુઆરી/ફેબ્રુઆરી ૨૦૨૬ માં થનાર છે, ગુજરાતની નવી મહાનગર પાલિકાના શહેરી મતદારોનું વર્ગીકરણ જોતા વિધાનસભાના ૧૮૨ ધારાસભ્‍યો પૈકી ૧૨૧ થી વધુ ધારાસભ્‍યો હવે શહેરી વિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરશે.

મહાનગર પાલિકાના વિકાસ કાર્યોમાં સામ્‍યતા અને સાતત્‍ય જળવાય તે અને સરકારને પૂરક બની કામ કરવા માટે મહાનગર પરિષદની રચના થયેલ છે જેનું રજીસ્‍ટ્રેશન રાજયના પાટનગર ગાંધીનગર માં થયેલું હોવાનું યાદીમાં જણાવાયું છે.  જે કેન્‍દ્ર સરકારના નીતિ આયોગમાં પણ રજીસ્‍ટ્રેશન ધરાવે છે. સંસ્‍થાના સ્‍થાપક ભાજપના જૂના આગેવાન ભરત ગાજીપરા કે જે ૨૫ વર્ષથી ગુજરાત પંચાયત પરિષદનું સુચારૂ સંચાલન કરે છે ટ્રસ્‍ટી તરીકે આ જવાબદારી તેમને તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સોંપેલ હતી. મહાનગર પરિષદ રાજયના તમામ ચૂંટાયેલ કોર્પોરેટર અને પદાધિકારીઓને તજજ્ઞો મારફત તાલીમ આપશે અને શહેરી વિસ્‍તારની રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ સહાય યોજના સામાન્‍ય પ્રજાજન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તેમજ રાજય સરકારમાં વિવિધ મહાનગર પાલિકાના પ્રશ્નોનું સંકલન અને માર્ગદર્શન કરશે. ભવિષ્‍યમાં સરકારના સહયોગથી મહાનગર પરિષદનું ભવન ઊભું કરી રાજયના તમામ કોર્પોરેટર જે ગાંધીનગર સરકારી કામે આવશે તેની રહેઠાણ અને માર્ગદર્શનની વ્‍યવસ્‍થા ઊભી કરશે.

ગુજરાત બાદ ભાજપ શાસિત રાજયોમાં પ્રથમ તબક્કે મહાનગર પરિષદ કાર્યાન્‍વિત કરાશે બાદ દેશના પ્રત્‍યેક રાજયમાં આ સંસ્‍થા કાર્ય કરશે.

વર્તમાન આ સંસ્‍થાના પદાધિકારી તરીકે પ્રથમ પ્રમુખ સુરતના પૂર્વ મેયર અને ભાજપના પ્રદેશ મહિલા અગ્રણી શ્રીમતિ હેમાલી બોધાવાલાની નિમણુંક કરાયેલ છે. ઉપપ્રમુખ તરીકે અમદાવાદના સાંસદ  દિનેશભાઈ મકવાણાના ધર્મપત્‍ની અને મહિલા અગ્રણી શ્રીમતિ અંજના મકવાણા છે, તરુણભાઈ બારોટ કે જેઓ પૂર્વ સાંસદ  જયંતીભાઈ બારોટના સુપુત્ર અને બક્ષીપંચ સમાજના આગેવાન જુના જનસંદ્યી તેમજ ભારત સેવા કેન્‍દ્ર ગાંધીનગરના સ્‍થાપક ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. વિશ્વ પ્રસિદ્ધ બગદાણા આશ્રમના મેનેજીંગ ટ્રસ્‍ટી અને પૂર્વ ધારાસભ્‍ય જનકભાઈ કાછડીયા (બગદાણા) ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. ભાવનગરના પૂર્વ મેયર અલંગ ઓથોરિટીના ચેરમેન જુના જનસંદ્યી અને અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા          ગિરીશભાઈ શાહ સંકલન સમિતિના કન્‍વીનર તરીકે સેવા આપે છે,

રાજકોટ મહાનગર ભાજપના પ્રમુખ સંદ્ય અને જનસંદ્ય પરિવારના માધવ દવે આંતરીક ઓડિટર તરીકે સેવા આપે છે, માનદ મંત્રી તરીકે મુકેશ સખીયા કે જેઓ રાષ્ટ્રિય સ્‍તરે અને રાજય સ્‍તરે સરપઓ સહિત અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય અને રાજય સ્‍તરે અનેક એવોર્ડ જીતનાર રાજકોટ ભાજપ મહિલા મોરચાના અગ્રણી શ્રીમતિ નીના વજીર મંત્રી તરીકે સેવા આપે છે, ઋષિવંશી સમાજના ભામાશા પ્રદેશ બક્ષીપંચ મોરચાના આગેવાન અને પ્રખર જનસંદ્યી રામજીભાઈ પાડલીયાના પુત્ર એવા  હેમરાજભાઈ પાડલીયા મંત્રી તરીકે સેવા આપે છે, પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ઉમિયા પરીવારના પ્રદેશ મહિલા અગ્રણી અને શ્રમ,કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી  કાંતિલાલ અમૃતિયાના ધર્મપતિ શ્રીમતી જયોત્‍સનાબેન અમૃતિયા ખજાનચી તરીકે સેવા આપે છે, રાષ્ટ્રીય અને રાજય સ્‍તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટ્રેનર અને ઉચ્‍ચ સરકારી અધિકારી શ્રીમતી નિલાબેન પટેલ કારોબારી સદસ્‍ય તરીકે સેવા આપે છે અને શ્રીમતી ઈલાબેન આચાર્ય કે જેઓ જાણીતા પર્યાવરણવિદ હોમ ગાર્ડન અને બોનસાઈ વૃક્ષોના આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ ધરાવતા અનેક એવોર્ડ વિજેતા મહિલા અગ્રણી પણ કારોબારી સદસ્‍ય તરીકે સેવા આપે છે.

હાલ કલાયમેન્‍ટ ચેન્‍જના કારણે સંસ્‍થાના ટ્રસ્‍ટી અને પર્યાવરણ  વિદ ઈલાબેન આચાર્ય એ રાજયના તમામ મેયર અને ગાર્ડન સમિતિના ચેરમેન ની મિટિંગ બોલાવવા સૂચન કરેલ જે અંગે સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી ભરતભાઈ ગાજીપરા અને પ્રમુખ હેમાલિબેન બોદ્યાવાલા સુરત પૂર્વ મેયર, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા પાસેથી મીટીંગની સંમતિ મેળવી લીધેલી હોવાનું જણાવાયું છે. જે સ્‍વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે મળશે.

સ્‍થાપક આ ટીમ રાષ્ટ્રીય સ્‍તરે કામ કરશે જેમાં ભાજપના જાહેર જીવનના જુના/નવા આગેવાનોનો સમન્‍વય કરેલ છે. ગુજરાતમાં જાન્‍યુઆરી/ફેબ્રુઆરીના અંતમાં ચૂંટણી બાદ નવી ચૂંટાયેલી ટીમને બંધારણ મુજબ મોટાભાગનું સંસ્‍થાનું સંચાલન સોંપી દેવાશે, તેમ અંતમાં જણાવાયું છે.

(3:48 PM IST)