News of Saturday, 1st November 2025
રાજયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદે છોતરા કાઢી નાખ્યા
નદીઓમાં ઘોડાપૂર :કેટલાય ગામો બેટમાં ફેરવાયા: હાલાકી ભારે વરસાદને પગલે સનખડા, ખત્રીવાડા, સુલતાનપુર સહિતના ગામ સંપર્કવિહોણા: ખત્રીવાડામાં રાવલ રૂપેણ અને માલણ નદીમાં પૂર :સતત કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી

ગુજરાતમાં ભરશિયાળે અષાઢી માહોલ જામ્યો હોય તેમ અનેક જિલ્લાઓમાં કહેર બનીને તૂટી પડ્યો છે. કેટલીક જગ્યાએ તો વરસાદે ભુક્કા કાઢી નાખતા ધમાકેદાર તોફાની બેટિંગ કરી છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો કેટલાગ ગામો બેટમાં ફેરવાયા છે.
ઉનામાં શિયાળાની સિઝનમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે સનખડા, ખત્રીવાડા, સુલતાનપુર સહિતના ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે તો ખત્રીવાડામાં રાવલ રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યા છે.
નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જગતના તાત પર વરસાદ કહેર બનીને આવ્યો છે પાકનું ધોવાણ થઈ ગયું છે. રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં એક ગામથી બીજા ગામ સુધી જવા મજબૂર બન્યા છે
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બોરણા, બોડિયા, શિયાણી, અંકેવાળીય સહિતના ગામમાં વરસાદે વારો પાડી દીધો છે. ચુડા તાલુકામાં પણ કમોસમી વરસાદે નુકસાની વેરી છે. ખાંડીયા, મોજીદડ, બલાળા, છલાળા ગામમાં ભારે વરસાદ વરસ્યો છે.
ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. નદીના પાણી ગામમાં વહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે છેલ્લા દોઢ દિવસથી નદી બે કાંઠે વહી રહી છે. કેટલાક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
ગામમાં નદીની જેમ પાણી વહેતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઈમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. સરપંચ અશોકસિંહ સરવૈયાએ તંત્ર પાસે મદદ માગી છે. અનેકવાર બ્રિજની માગ છતાં હજુ સુધી બ્રિજ ન બનતા સ્થિતિ વણસી છે.
ભાવનગર ઉપરાંત બોટાદમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. ગઢડામાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા છે અને સતત કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જ્યારે અન્ય વિસ્તારો માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સૂચના મુજબ લોકોએ મહત્વપૂર્ણ પગલાં લેવા અને આપત્તિ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
