તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
ગાંધીનગર ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૩૧: ‘ભજન અને ભોજન'' તેમજ ‘‘જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢૂંકડો''ના મંત્રને વરેલા પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિ કારતક સુદ-૭, તા. ૨૯-૧૦-૨૦૨૫ના રોજ શ્રી જલારામ મંદિર, સેક્ટર-૨૯, ગાંધીનગર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી.
પ્રતિ વર્ષ પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ સંસ્થા દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે તે પરંપરા અનુસાર શ્રી જલારામ મંદિર, સેક્ટર-૨૯, ગાંધીનગર ખાતે પણ પૂ.શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની ઉજવણીમાં સવારે ૮.૩૦ ક્લાકે શ્રી જલારામ મંદિર, સે. ૨૯ થી જલારામ બાપાના ગુરુ પૂ.શ્રી ભોજલરામ મંદિર, સે. ૭ ખાતે ભક્તિભાવપૂર્વક, પૂ. બાપાના ધુન - ભજન - બેંડવાજા સાથે ભજન અને ગરબાના તાલે,૧૦૦થી વધુ ગાડી-ટુ વ્હીલર, ૫૦૦ થી વધારે ભક્તજનો સાથે ની શોભાયાત્રા પહોંચેલ. પૂ. ભોજલરામ મંદિર, સે. ૭ ખાતે સંસ્થા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને પૂ. શ્રી ભોજલરામ બાપા અને પૂ. શ્રી જલારામ બાપાની આરતી અને ઙ્કસાદ પણ સૌ ભક્તજનો માટે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરાયેલ.
શ્રી જલારામ જયંતિ નિમિત્તે સમગ્ર દિવસ શ્રી જલારામ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરને રોશનીથી શણગારવામાં આવેલ. પૂ. શ્રી જલારામ બાપાની રંગોળી અને દીપક આરતીએ દરેક ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ. પૂ. શ્રી જલારામ બાપા, પૂ.શ્રી વીરબાઈ માતા સહિત તમામ મૂર્તિઓને સુંદર રીતે શણગારીને અન્નકૂટ ધરાવવામાં આવેલ.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, સંસ્થાના હોદ્દેદારો સહિત સૌ ભક્તજનોએ શ્રી જલારામ મંદિર ખાતે પૂ.શ્રી જલારામ બાપાના દર્શનની સાથે સાથે મહાઆરતીનો પણ લાભ લીધો હતો. ઉપસ્થિત ૮૦૦૦ જેટલા ભક્તજનો માટે બાપાના પ્રસાદરુપનું પણ આયોજન કરવામાં આવેલ.
શોભાયાત્રા તેમજ મહાઆરતીમાં ભાજપ શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સ્ટે.ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષ નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સરંક્ષણ કમિશનના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર,પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી મેહુલભાઈ સહિત અનેક કોર્પોરેટરશ્રીઓ, સરકારના નામાંકિત અધિકારીશ્રીઓ સહિત અનેક મહાનુભાવોએ પૂ. બાપાના દર્શન અને આરતીનો લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવેલ. આ તમામનું પૂ. શ્રી જલારામ બાપાના આશીર્વાદ રુપ ખેસ, પ્રસાદ, ફોટો આપીને સન્માન કરાયેલ.
પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિને ભવ્ય રીતે સફળ બનાવવામાં શ્રી જલારામ સેવા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ ઠક્કરની સમગ્ર ટીમ, શ્રી જલારામ મહિલા મંડળ અને લોહાણા યુવા સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકરો, પૂ. શ્રી જલારામ બાપાના ભક્તજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
