<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ગુજરાત પર કમોસમી વરસાદનું સતત સંકટ: અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય; કાલે શુક્રવારે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ માટે 'ઓરેન્જ એલર્ટ': રાજકોટ સહિત ૧૫થી વધુ જિલ્લાઓમાં 'યલો એલર્ટ'

દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૫ થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા: આજે, ગુરુવારે પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી યથાવત ચાલુ : અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવા વરસાદની આગાહી, જ્યારે કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટાંની શક્યતા: રાજકોટમાં સતત વાદળા છવાયેલા છે

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ચારથી બાર ઇંચ સુધીનો કમોસમી વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે (૩૧ ઓક્ટોબર) દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યારે રાજકોટ સહિત ૧૫થી વધુ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા અને બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

રાજ્યમાં દિવાળીના તહેવારો ટાણે અને ત્યારબાદ પણ કમોસમી વરસાદનું મોટું સંકટ ઘેરાયું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જે હાલ વેરાવળથી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. આ સિસ્ટમ્સના કારણે રાજ્યભરમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, સિસ્ટમ્સની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ બંદરો પર 'લોકલ કોશનરી સિગ્નલ નંબર ૩' (એલસીએસ ૩) લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. 

દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૫ થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

છેલ્લા બે દિવસમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વિક્રમી કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં સરેરાશ ચારથી બાર ઇંચ પાણી પડ્યું છે. અમરેલીના રાજુલા જેવા વિસ્તારોમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યાના અહેવાલ છે, જેના કારણે ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગે આવતીકાલ, શુક્રવાર, તારીખ ૩૧ ઓક્ટોબર માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

 * ઓરેન્જ એલર્ટ (અતિ ભારે વરસાદ): દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ.

 * યલો એલર્ટ (ભારે વરસાદ): જામનગર, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.

આજની (૩૦ ઓક્ટોબર) સ્થિતિ: આજે, ગુરુવારે પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી યથાવત રાખવામાં આવી છે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવા વરસાદની આગાહી છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

અત્યારે બપોરે ૧ વાગ્યે લેવામાં આવેલ ઇનસેટ ઉપગ્રહની તસ્વીરમાં સૌરાષ્ટ્રના સાગર કાંઠે અને ત્યાંથી સમુદ્રમાં ધસમસતા આવી રહેલા વાદળાઓના પ્રચંડ ઝુંડ જોવા મળી રહ્યા છે..

(1:37 PM IST)