તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th October 2025
અમદાવાદના નરોડામાં 'નબીરા'ની દાદાગીરી: જાહેર રોડ પર ફટાકડા ફોડી લોકોના જીવ જોખમમાં મૂક્યા! નંબર પ્લેટ વિનાની વૈભવી કારોના કાફલાનો વીડિયો વાયરલ.
કરાઈ કટ પાસે યુવકોએ રસ્તો રોક્યો: દીપક દેસાઈ નામના શખ્સે વીડિયો પોસ્ટ કરતાં નરોડા પોલીસ હરકતમાં; જાહેરનામા ભંગ અને જોખમી સ્ટંટ બદલ કાર્યવાહી શરૂ.

અમદાવાદ: દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ શહેરમાં જાહેર માર્ગો પર બેફામ બનીને લોકોના જીવ જોખમમાં મૂકવાના વધુ એક કિસ્સાએ ચકચાર જગાવી છે. નરોડા વિસ્તારમાં દીપક દેસાઈ નામના એક યુવકે પોતાના સાગરીતો સાથે મળીને જાહેર રોડને બાનમાં લઈને આડેધડ ફટાકડા ફોડી દાદાગીરી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થયો છે.
વાયરલ થયેલો આ વીડિયો નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કરાઈ કટ પાસેનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકોએ રસ્તાનો એક તરફનો ભાગ સંપૂર્ણપણે રોકી દીધો છે અને બેફામ રીતે આતશબાજી કરી રહ્યા છે. આ કૃત્યના કારણે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. દીપક દેસાઈએ ખુદ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
જાહેર રોડ પર કરાયેલી આ બેફામ આતશબાજીનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. નરોડા પોલીસે આ વીડિયોની ગંભીરતાથી નોંધ લઈને દીપક દેસાઈ અને તેના સાગરીતો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, આ નબીરાની બેફામ પ્રવૃત્તિ માત્ર ફટાકડા ફોડવા પૂરતી સીમિત નથી. તેના અન્ય વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં તે નંબર પ્લેટ વિનાની વૈભવી કારોના કાફલા સાથે રોફ જમાવતો જોવા મળે છે. પોલીસે હવે જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ તેની સામે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ દીપક દેસાઈની ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ ધરપકડ થઈ ચૂકી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
