<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

ગુજરાતભરમાં દિવાળીના તહેવારનો ઉત્સાહ: અમદાવાદ. સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવા શહેરો ઝગમગતી રોશની અને ભવ્ય ઉજવણી

શહેરના મુખ્ય સર્કલો, બ્રિજો અને રસ્તાઓને ડેકોરેટિવ લાઇટિંગથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યાં

અમદાવાદ :દિવાળીના તહેવારનો ઉત્સાહ ગુજરાતભરમાં તેની ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં અમદાવાદ સહિત આણંદ, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવા શહેરો ઝગમગતી રોશની અને ભવ્ય ઉજવણીથી દેદીપ્યમાન બન્યાં છે. રાજ્યના મુખ્ય શહેરોને તહેવારી માહોલથી શણગારવામાં આવ્યાં છે, જે નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે. શહેરના મુખ્ય સર્કલો, બ્રિજો અને રસ્તાઓને ડેકોરેટિવ લાઇટિંગથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યાં છે. સુભાષબ્રિજ સર્કલ, અખબારનગર કીટલી સર્કલ, નવરંગ સર્કલ અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારો ભવ્ય લાઇટિંગથી ઝળહળી ઉઠ્યા છે. ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પર પણ આકર્ષક રોશની કરવામાં આવી છે, જે રાત્રિના સમયે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે.

અમદાવાદના આ ભવ્ય શણગારના ડ્રોન દૃશ્યો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાઇરલ થઈ રહ્યા છે, જે શહેરની આધુનિક અને સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરે છે. આ દૃશ્યો નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યાં છે. મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા માટે બહાર નીકળી રહ્યા છે.

અમદાવાદની જેમ જ આણંદ, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે વૈવિધ્યસભર રોશનીના ઝળહળાટને નિહાળવા માટે શહેરીજનોની રાત્રીના સમયે ચહલ-પહલ જોવા મળી રહી છે.

 


 

(10:52 PM IST)