<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

અમદાવાદના જુહાપુરાના ઈલેક્ટ્રીક શો-રૂમમાંથી 20 લાખની રોકડની ચોરી

જુહાપુરા વિસ્તારમાં એક ઇલેક્ટ્રીક શો-રૂમ કમ ગોડાઉનમાં ત્રાટકીને તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો : તસ્કરોએ ગોડાઉન/શો-રૂમના પતરાં તોડીને અંદર પ્રવેશ કર્યો

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોવાના સંકેતો મળી રહ્યા છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા એક ઇલેક્ટ્રીક શો-રૂમ કમ ગોડાઉનમાં ત્રાટકીને તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે, જેમાં આશરે 20 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, જુહાપુરામાં આવેલ 'ગુજરાત ફ્રીઝ ગોડાઉન' તરીકે ઓળખાતા ઇલેક્ટ્રીક શો-રૂમમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ચોરી કરવાના ઇરાદે તસ્કરોએ ગોડાઉન/શો-રૂમના પતરાં તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ગલ્લામાંથી 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમની રોકડની ચોરી કરી હતી

આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરોની ગતિવિધિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જોકે, દિવાળીના તહેવાર નિમિત્તે શહેરમાં પોલીસ પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે, ત્યારે જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવાઓને પોકળ સાબિત કર્યા છે.

શો-રૂમ માલિક દ્વારા આ ઘટના અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને ફરાર થયેલા તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં એક જ રાતમાં ૨૦ લાખની ચોરી થતાં વેપારી આલમમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

 


 

(10:18 PM IST)