News of Friday, 17th October 2025
દિવાળી એટલે આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતા અને પ્રકાશનો મહાઉત્સવ
પાંચ પર્વનું સ્નેહ સંમેલનઃ ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજ

દિવાળી એટલે આનંદ,ઉલ્લાસ,પ્રસન્નતા અને પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.
ધનતેરસઃ ધનની પૂજાનો દિવસ ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ.
જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી. કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે આંધળી દોટ મુકાય છે. આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે. લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય.આપણી સંપત્તિ પવિત્ર બને. જો દાન-પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે તેમાં કોઇ શંકા નથી.
અમૃતકળશ સાથે ધન્વંતરીનું પ્રાગટ્યઃ ધનતેરસનું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન રત્નો નીકળ્યા હતા તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવવામાં આવે છે.
લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું: શાપનો સમય પૂર્ણ થતાં લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.
લક્ષ્મી ચંચળ નથી, લક્ષ્મીવાનની મનોવૃત્તિ ચંચળ છેઃ ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી. લક્ષ્મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે. લક્ષ્મી ચંચળ નથી ૫ણ લક્ષ્મીવાન મનુષ્યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્મી, સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત, ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્મી.
કાળીચૌદશઃ અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિઃ કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી માતા તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી-સદાચારી બનાવે છે. મહાકાળી માતાનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મહાકાળી માતા તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.
નરક ચતુર્દશીઃ નરકાસુર પર શ્રીકૃષ્ણનો વિજયઃ કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે. આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ-સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા અને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી તેમના રક્ષણ માટે વિવાહ કર્યા હતા. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા વગેરે અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાના છે.
દિવાળીઃ અંધકારથી પ્રકાશ તરફનું પર્વ દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે દીવા પ્રગટાવવામાં આવે છે. વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે. સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો દિવસ છે. દિવાળીના દિવસે આપણે રાગ-દ્વેષ, વેર-ઝેર, ઇર્ષ્યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.
લક્ષ્મી પૂજનનું મહત્વઃ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને. પવિત્ર આંગણું-પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. સંપત્તિ ભોગવવાની નથી તે ભોગદાસી નથી પણ આપણી બા છે. એ બા નું પૂજન કરો. આ પૂજન એટલે લક્ષ્મીપૂજન.
રામનું આગમન અને જ્ઞાનનો દીવોઃ દિવાળી એ ચૌદ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા). દિવાળી એટલે ૅમનના પ્રકાશની જાગૃતિૅ. દિવો એ જ્ઞાનનું પ્રતિક છે. મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.
નૂતન વર્ષ (બેસતું વર્ષ): સંકલ્પો અને સુધારનો દિવસઃ બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે. નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.
ભાઇબીજ (બલિ પ્રતિપ્રદા): સ્નેહ અને સદગુણોની પૂજાઃ આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે. બલીરાજા દાનવીર હતા. આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે. ભાઇબીજના દિવસેસ્ત્રીઓ ઓ તરફ જોવાની ભદ્ર દ્રષ્ટિ કેળવવાની છે તથા તમામ ષીઓને બહેન/માતા માનવાની છે. બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું કમોતે મોત થતું નથી.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને. સહુ શાંતિમય જીવન જીવે. એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ. નૂતન વર્ષના નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી, તા. શહેરા, પંચમહાલ
મો.૯૭૨૬૧૬૬૦૭૫
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
