<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

મહાત્મા મંદિરમાં નવનિયુક્ત મંત્રીઓ સાથે 8 હજાર કાર્યકર્તાઓ ચૂરમાના લાડુ અને ફૂલવડી આરોગશે

શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓ નવનિયુક્ત મંત્રીઓની સાથે સાથે બહોળા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ સંતો પણ હાજરી આપશે.

ગાંધીનગર :નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે 17 ઓક્ટોબરે આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે મહાત્મા મંદિર ખાતે સમારોહ સંદર્ભે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શુક્રવારે એક સાથે 8,000 થી વધુ લોકો મહાત્મા મંદિર ખાતે ભોજન લે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જ ચુરમાના લાડુ અને ફૂલવડી સહિતના ભોજનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. 

મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવાની પૂર્વ સંધ્યાએ મહાત્મા મંદિર મુખ્ય હોલમાં 8,000 થી વધુ લોકોની બેઠક વ્યવસ્થાની સાથે સાથે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓ નવનિયુક્ત મંત્રીઓની સાથે સાથે બહોળા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ સંતો પણ હાજરી આપશે. શપથ સમારોહમાં સંતો માટે ખાસ અલગ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.

શુક્રવારે આયોજિત થનારા શપથ ગ્રહણ સમારોહ બાદ નવનિયુક્ત મંત્રીઓ ચૂરમાના લાડુ અને ફૂલવડીનું ભોજન આરોગશે. નેતાઓની સાથે સાથે ઉપસ્થિત રહેનારા 8000થી વધુ કાર્યકર્તાઓ માટે પણ એક સરખા ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. શુક્રવારે નેતાઓ અને કાર્યકર્તાઓને જે ભોજન પીરસવામાં આવશે. તેમાં ચૂરમાના લાડુ, ફૂલવડી, વાલનું શાક, પુરી, તજ લવિંગ વાળા ભાત અને ગુજરાતી દાળ સાથે છાશનું ભોજન પીરસવામાં આવશે.

મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા માટે પૂર્વ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાત્મા મંદિર પહોચ્યાં હતા. એસપી રવિ તેજા વાસમશેટ્ટી સહિતના અધિકારીઓ સાથે મંત્રીઓએ સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.

(10:45 PM IST)